Friday, May 22, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા, ભાણવડમાં અસામાજિક તત્ત્વોના 32 વીજ જોડાણો રદ્

ખંભાળિયા, ભાણવડમાં અસામાજિક તત્ત્વોના 32 વીજ જોડાણો રદ્

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂ, જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા તેમજ આવા તત્વોના વીજ જોડાણના ચેકિંગ કરી અને ગેરકાયદેસર વીજ જોડાણ રદ કરવાની કાર્યવાહી પીજીવીસીએલને સાથે રાખીને અહીંના પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી મીત રુદલાલના વડપણ હેઠળ ખંભાળિયા, સલાયા, વાડીનાર તથા ભાણવડ વિસ્તારના બુટલેગરો, જુગારીઓ, હિસ્ટ્રીશીટરો, ટપોરીઓ તેમજ શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાની ટેવવાળા અસામાજિક તત્વો અને શંકાસ્પદ શખ્સોને ત્યાં પીજીવીસીએલને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં આ વિસ્તારના કુલ 119 જેટલા શખ્સોના રહેણાંક મકાનમાં પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ખંભાળિયાના 18, સલાયાના 27, વાડીનારના 3 અને ભાણવડના 11 મળી 58 જેટલા શખ્સોના રહેણાંક મકાનના ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા હતા. આથી આવા શખ્સોને ત્યાં દંડનીય કાર્યવાહી કરી, સલાયામાં 13 લાખ, ખંભાળિયામાં 5.80 લાખ, વાડીનારમાં 2.45 લાખ અને ભાણવડમાં 6.54 લાખ મળી, કુલ રૂપિયા 27 લાખ 79 હજારના ગેરકાયદેસર વીજ કનેક્શન અંગે દંડ ફટકારવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સલાયામાં 26, વાડીનારમાં 4 અને ખંભાળિયામાં 2 મળી કુલ 32 આસામીઓના વીજ જોડાણને દૂર કરી, ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ પી.જી.વી.સી.એલ.ની આ કડક કામગીરીથી ગુનેગાર તત્ત્વોમાં ભય સાથે દોડધામ મચી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular