ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં રહેતાં વૃદ્ધ સાથે બોલાચાલી કરી પાવડાના હાથા વડે હુમલો કરી ફ્રેકચર સહિતની ઇજાઓ કરનાર ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા કરસનભાઈ નગાભાઈ ગોજીયા (ઉ. વ. 72) નામના વૃદ્ધ સાથે બોલાચાલી કરી, લાકડાના પાવડાના હાથા વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આ જ વિસ્તારમાં રહેતા મયુર સાજણભાઈ ચાવડા, ભીમશી સાજણભાઈ ચાવડા અને દેવશી માંડણભાઈ ચાવડા સામે નોંધાવવામાં આવી છે.
ફરિયાદી કરશનભાઈ ગોજીયાની વાડી પાસે આરોપી મયૂર ચાવડાના મજૂરો ખુલ્લામાં બાથરૂમ કરતા હોય, જે માટે તેમણે ના પાડતા ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે અહીંની પોલીસે તમામ ત્રણ આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


