Tuesday, May 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર પક્ષીઘરમાં પક્ષીઓ માટે ઠંડકની ખાસ વ્યવસ્થા - VIDEO

જામનગર પક્ષીઘરમાં પક્ષીઓ માટે ઠંડકની ખાસ વ્યવસ્થા – VIDEO

ઉનાળાની ગરમી વચ્ચે મહાનગરપાલિકાનો અનોખો પ્રયાસ : પાંજરામાં ફુવારા, પાણીનો છંટકાવ અને ખાસ દેખરેખથી પક્ષીઓને મળી રહી રાહત

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન તેમજ મોડી સાંજ સુધી ઉકળાટભર્યું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં શહેરના મધ્યભાગે આવેલ રણમલ તળાવ પાસેના સીટી મ્યુઝિયમમાં આવેલા પક્ષીઘરમાં રહેલા વિવિધ દેશ-વિદેશના પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

- Advertisement -

રણમલ તળાવ ખાતે આવેલ પક્ષીઘર શહેરના આકર્ષણનું મહત્વનું કેન્દ્ર ગણાય છે. અહીં વિવિધ પ્રજાતિના અંદાજે 481 જેટલા પક્ષીઓ વસવાટ કરે છે. પક્ષીઘરમાં કેસ્ટેડ બજરીગર, લવબર્ડ, બજરીગર, ગુંજ, ડાયમંડ ડવ, ટર્કી, કોકાટીલ, આફ્રીકન કુસુકો, ઈમુ, કગુર સહિતના અનેક આકર્ષક પક્ષીઓ રાખવામાં આવ્યા છે. રોજ મોટી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ અને મુલાકાતીઓ અહીં આવી વિવિધ રંગબેરંગી પક્ષીઓના કલરવનો આનંદ માણે છે.

- Advertisement -

ઉનાળાની ઋતુમાં પક્ષીઓને ગરમીનો ઓછો અનુભવ થાય તે માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા નિયમિત રીતે ખાસ કાળજી લેવામાં આવે છે. પક્ષીઓના પાંજરા ઉપર દિવસ દરમિયાન આશરે ત્રણ વખત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જે માટે ખાસ ફુવારા મુકવામાં આવ્યા છે. પાંજરાની અંદર પણ પાણીનો છાટકાવ કરીને ઠંડક જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

- Advertisement -

આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા વધુ એક ખાસ પહેલ કરવામાં આવી છે. પક્ષીઘરના વિવિધ પાંજરાઓની અંદર ખાસ ફુવારા મૂકવામાં આવ્યા છે. સમયાંતરે આ ફુવારા ચાલુ કરીને પાંજરામાં ઠંડકભર્યું વાતાવરણ ઉભું કરવામાં આવે છે જેથી પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે. પક્ષીઓ માટે કાયમી સુવિધા રૂપે આ ફુવારા સ્થાપિત કરવામાં આવ્યા હોવાનું મનપા તંત્રએ જણાવ્યું છે.

પક્ષીઓના આરોગ્ય અને ખોરાક બાબતે પણ સતત દેખરેખ રાખવામાં આવે છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા નિયમિત ખોરાક, પાણી અને આરોગ્ય સેવા આપવામાં આવે છે. ઋતુ પ્રમાણે પક્ષીઓની સંભાળ રાખવામાં આવે છે. શિયાળામાં ઠંડીથી બચાવવા માટે પાંજરાઓને ખાસ પડદાથી ઢાંકવામાં આવે છે જ્યારે ઉનાળામાં ઠંડક માટે પાણી અને ફુવારા જેવી વ્યવસ્થા કરવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકાની આ કામગીરીને કારણે પક્ષીઘરમાં રહેલા પક્ષીઓને ગરમીના દિવસોમાં પણ અનુકૂળ વાતાવરણ મળી રહ્યું છે. સાથે જ પક્ષીપ્રેમીઓમાં પણ આ અનોખી વ્યવસ્થાને લઈને ખુશી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular