જામનગર શહેરમાં હર્ષદ મીલની ચાલી પાસેના વિસ્તારમાંથી પોલીસે બાઇક ચાલકને આંતરીને તલાશી લેતાં તેની પાસેથી બાઇક અને ચપલા કબ્જે કરી બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસેથી પોલીસે દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના હર્ષદ મીલની ચાલી રોડ ઉપરથી સોમવારે મદ્યરાત્રિના સમયે પસાર થતાં જીજે10 ઇએક્સ 1373 નંબરના જ્યુપીટર ચાલકને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ આંતરી લીધો હતો અને પોલીસે ઇરફાન દાઉદ જુણેજા (ઉ.વ.23, રહે. ધરારનગર) નામના શખ્સની તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 8625ની કિંમતના 69 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા અને રૂા. 8 હજારની કિંમતનો મોબાઇલ ફોન તેમજ રૂા. 50 હજારની કિંમતનું બાઇક મળી કુલ રૂા. 66,625નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં સદ્ામ હુસેન સુમરા અને વિપુલ ટાંક નામના બે શખ્સોની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગરમાં રોઝી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતાં હરદીપસિંહ જુવાનસિંહ જાડેજા (ઉ.વ.18, રહે. શંકરટેકરી, શાસ્ત્રીનગર) નામના શખ્સને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફએ આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા. 500ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


