જામનગર જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રની સાથે હોમગાર્ડઝ વિભાગના જવાનો પણ રાત-દિવસ નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ આપી છે. જામનગર હોમગાર્ડઝના આશરે 800 જેટલા સભ્યો ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા મદદરૂપ થવાની પાયાની ફરજની સાથે સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને મતદારો માટે મદદરૂપ બન્યા હતાં. મતદાન મથકો પર તૈનાત આ જવાનો લોકશાહીના આ પર્વમાં મતદાન કરવા આવતા દિવ્યાંગજનો અને વયોવૃદ્ધ વડીલો માટે આશીર્વાદરૂપ સાબિત થયા હતાં.
ચૂંટણી ફરજ પરના આ જવાનો મતદાન મથકે આવતા અશક્ત મતદારોને વ્હીલચેરની સુવિધા પૂરી પાડવા ઉપરાંત તેમને મતદાન મથક સુધી માનભેર લઈ જઈને મતદાન પ્રક્રિયામાં પૂરતો સહયોગ કર્યો હતો. કાળઝાળ ગરમી અને વ્યસ્ત ફરજની વચ્ચે પણ જામનગર હોમગાર્ડઝના સભ્યોએ જે રીતે માનવીય અભિગમ દાખવ્યો તે ખરેખર બિરદાવવા લાયક છે. જિલ્લાના વિવિધ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રાખવાની સાથે આ જવાનોએ નિષ્કામ સેવાનો પરચો આપીને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.


