જામનગર શહેરના હાપા રોડ ઉપર આવેલા આવાસમાં રહેતા યુવાન તેની પત્ની અને બે સંતાનો સાથે ખીરીમાં હનુમાન મંદિરના દર્શન કરી પરત આવતા હતા ત્યારે ખીમરાણાના પાટિયા નજીક પુરપાટ આવતી કારે ઠોકરે ચઢાવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં હાપા રોડ ઉપર આવેલા લાલવાડી આવાસ રૂમ નંબર 704માં રહેતાં વનરાજસિંહ બાલુભા જેઠવા (ઉ.વ.43) નામના યુવાન રવિવારે રાત્રિના સમયે તેના પત્ની જયશ્રીબેન અને દીકરી કામ્યાબા (ઉ.વ.15) અને પુત્ર ભાગ્યરાજસિંહ (ઉ.વ.11) સાથે તેમની જીજે25 એફ 433 નંબરની બાઇક પર ખીરી ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરી જામનગર પરત ફરી રહ્યાં હતા. તે દરમયાન ખીમરાણા ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ આવી રહેલી અજાણી કારના ચાલકે બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં યુવાન તેના પરિવાર સાથે રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં યુવાનને માથા તથા હાથપગમાં, તેમના પત્નીને નેણ ઉપર તથા હાથમાં અને પુત્રી કામ્યાબા અને પુત્ર ભાગ્યરાજસિંહને સામાન્ય ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક નાશી ગયો હતો. જેથી યુવાનની ફરિયાદના આધારે હે.કો. બી. એચ. લાંબરિયા તથા સ્ટાફએ અજાણ્યા કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


