વિશ્વ કલ્યાણ અને જીવ માત્રની શાંતિના પવિત્ર ભાવ સાથે જૈન ટ્રેડ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (JITO) દ્વારા સમગ્ર વિશ્વમાં 09 એપ્રિલના ‘વિશ્વ નવકાર મંત્ર દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ અવસરે જામનગરમાં વિવિધ જૈન સંઘો અને હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિ દ્વારા ભક્તિસભર આયોજનો કરવામાં આવ્યા હતા.
ઓશવાળ સેન્ટર ખાતે વિવિધ સંઘોનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિગ્વિજય પ્લોટ જૈન સંઘ, ઓશવાળ કોલોની જૈન સંઘ, કામદાર કોલોની જૈન સંઘ, મેહુલનગર જૈન સંઘ, ચંપા વિહાર જૈન સંઘ, સાધના કોલોની જૈન સંઘ, મોહનનગર જૈન સંઘના સભ્યોએ જોડાઇને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે જાપ બાદ તમામ ભાવિકોએ સમૂહ નવકારશીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જામનગરના પટેલ કોલોનીસ્થિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધના ભવન ખાતે પણ નવકાર જાપનું આયોજન થયું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરી એકસાથે નવકાર મંત્રના જાપ કરી વાતાવરણને મંગલમય બનાવી દીધું હતું. ત્યારબાદ સંઘના સભ્યો દ્વારા પ્રભાવના પણ વિતરિત કરવામાં આવી હતી. ખૂબ બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
View this post on Instagram
આજે વિશ્વભરમાં એકસાથે લાખો શ્રદ્ધાળુઓ દ્વારા નવકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા. જેનો મુખ્ય ઉદેશ્ય સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો ફેલાવો કરવાનો છે. જામનગરના જૈન સમાજે આ અભિયાનમાં જોડાઇને અતૂટ શ્રદ્ધાના દર્શન કરાવ્યા હતા.
આ તકે જામનગર ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના કન્વિનર વિમલભાઇ શાહ, હિરેનભાઇ ગુઢકા સહિતના જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


