રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે આવેલી જય ગોપાલ હોટલ નજીક ગઇકાલે કેરી વાહનના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી વાહન ચલાવી રોડની સાઇડના નાલામાં પલ્ટી ખવડાવતા તેનું મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ત્રાંબક ગામનો વતની નરેશભાઇ ખાંટુભાઇ ચુડાસમા નામનો યુવાન ગઇકાલે વહેલી સવારના ચાર વાગ્યાના અરસામાં તેના જીજે04 કેએક્સ 0320 નંબરના કેરી વાહનમાં શાકબકાલુ ભરીને જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક આવતો હતો ત્યારે રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામ પાસે જય ગોપાલ હોટલ નજીક સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવી દેતાં વાહન રોડની સાઇડમાં આવેલા નાલામાં ખાબકતા પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલકને માથામાં, મોઢામાં, હાથમાં તથા શરીરમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે ભૂપતભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ કે. આર. પરમાર તથા સ્ટાફએ હોસ્પિટલે અને સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.


