જામનગર જિલ્લામાં ગત તા.19ના સર્જાયેલ મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને લઇને પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો ફરી ચાલુ કરવામાં આવ્યો હોવાના દાવાઓ કરાયા છે. આમ છતાં અનેક વિસ્તારોમાં 6 દિવસે પણ વીજ પુરવઠો બંધ હોવાનું લોકો જણાવી રહ્યા છે.

જામનગરના ધ્રોલ ગ્રામ્ય પીજીવીસીએલના બાણુંગાર ડિવિઝન હેઠળ આવતા 10 જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો ચાલુ ન થયો હોવાનું લોકો જણાવી રહ્યા છે. હજુ પણ વીજ પુરવઠો ચાલુ ન થતા ખેડૂતોએ વાવેલ પાકમાં પિયત કરી શકતા ન હોવાથી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂતો પીજીવીસીએલ કચેરી ખાતે ટેલીફોનીક સંપર્ક કરે તો કોઇપણ પ્રકારના જવાબ આપવામાં આવતા નથી તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. પીજીવીસીએલની ઢીલી કામગીરીને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વાડી વિસ્તારમાં લાઈટ ન હોવાથી પીવાના પાણી માટે પણ હાલાકી પડી રહી છે. પશુપાલન કરતા ખેડૂતોને પોતાના પશુઓને પીવડાવવા માટે પાણી ન હોવાથી અન્ય જગ્યાએથી પાણી માંગવાનો વારો આવ્યો છે. હજુ પણ ધ્રોલ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ તૂટેલા તાર હોવાનું લોકો જણાવી રહ્યા છે. અને તાત્કાલીક વીજ પુરવઠો શરૂ કરવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે.
View this post on Instagram


