જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઠેબા ચોકડી પાસેથી પસાર થતાં બાઇક સવારને પુરપાટ, બેફિકરાઇથી આવી રહેલી કારના ચાલકે પાછળથી ઠોકર મારી હડફેટ લેતાં યુવાનનું મોત નિપજયું હતું. તેમજ અન્ય યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ મૂળ રાજસ્થાનના કુરુક્ષેત્રના બીર અમીન ગામના વતની અને હાલ ચંગાના પાટિયા પાસે રહેતાં વિરેન્દ્રસિંઘ હરભજનસિંઘ કંબોજ (ઉ.વ.35) નામનો ખેતી અને હાર્વેસ્ટરનો વ્યવસાય કરતો યુવાન ગત્ તા. 25ના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં તેના એચઆર 07 પી 4793 નંબરના બાઇક પર રાજવિન્દને પાછળ બેસાડી જતો હતો તે દરમ્યાન જામનગર-રાજકોટ હાઇવે પર લાલપુર ચોકડીથી ઠેબા ચોકડી તરફ જતાં રસ્તે પટેલ આમલેટ સેન્ટર નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પુરપાટ આવી રહેલી અજાણી કારના ચાલકે યુવાનના બાઇકને ઠોકર મારી હડફેટ લઇ બન્નેને પછાડી દીધાં હતા. અકસ્માત બાદ ચાલક કાર લઇને અંધારામાં પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ અકસ્માતમાં માથામાં અને શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જ્યારે પાછળ બેસેલા રાજવિન્દને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી.
અકસ્માતના બનાવની જાણ થતાં પીઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઇજાગ્રસ્ત રાજવિંદને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા કારચાલક વિરૂઘ્ધ મૃતકના ભાઇ નરવલસિંઘના નિવદેનના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


