ભાણવડ તાલુકાના રાણપર ગામના વિસ્તારમાંથી પસાર થતી દેશીદારૂનો જથ્થો ભરેલી કારને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં ચાલક કાર મૂકી પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારમાંથી 1000 લીટર દેશીદારૂ અને કાર મળી કુલ રૂા. 15,50,000નો મુદામાલ કબ્જે કરી બૂટલેગરની શોધખોળ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ ભાણવડ તાલુકાના રાણપર ગામમાંથી પસાર થનાર કારમાં દેશીદારૂનો જથ્થો હોવાની હે.કો. નિલેશભાઇ કારેણા, કિશોરસિંહ જાડેજા, પો.કો. લાલાભાઇ ખાટલિયા, યોગરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચનાથી ડીવાયએસપી વી. પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ. એમ. ડી. મકવાણા, પીએસઆઇ એલ. એમ. પુરોહિત, સર્વેલન્સ સ્ટાફના એએસઆઇ જયપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા, પબાભાઇ હીરાભાઇ કોડિયાતર, હે.કો. નારણભાઇ પબાભાઇ બેલા, જીતુભાઇ સામરાભાઇ જામ, કિશોરસિંહ ચંદુભા જાડેજા, નિલેશભાઇ હાજાભાઇ કારેણા, દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા, પો.કો. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, લાલાભાઇ ફોગાભાઇ ખાટલિયા તથા સ્ટાફએ વોચ ગોઠવી હતી.
દરમ્યાન બાતમી મુજબની કાળા કલરની જીજે16 એજે 5456 નંબરની ફોર્ચ્યુનર કાર પસાર થતાં પોલીસે કારનો પીછો કરતાં ચાલકે કાર ભગાવી મૂકી હતી. ત્યારબાદ ચાલક કાર મૂકીને પલાયન થઇ ગયો હતો. ભાણવડ પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 2 લાખની કિંમતનો 1000 લીટર દેશીદારૂ મળી આવતાં પોલીસે રૂા. 13.50 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર મળી કુલ રૂા. 15,50,000નો મુદામાલ કબ્જે કરી બૂટલેગરની શોધખોળ આરંભી હતી.


