Thursday, March 19, 2026
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રીએ જામનગરને રૂા.412.16 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી - VIDEO

મુખ્યમંત્રીએ જામનગરને રૂા.412.16 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી – VIDEO

WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેેેેેેડીસીન, જામનગર-અમૃતસર એક્સ્પ્રેસ-વે તથા વંદે ભારત ટ્રેન જેવી સુવિધાઓ થકી સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ઉભરી રહ્યું છે જામનગર - મુખ્યમંત્રી : આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો અને પ્રવાસનથી ધબકતાં કરીને ગુજરાતના પ્રથમ શહેરોમાં ફેરવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે-મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા : રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે-મંત્રી રિવાબા જાડેજા

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્લાને રૂ. 412.16 કરોડના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્રને જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ જ દિવસમાં ભરૂચ, પંચમહાલ અને દાહોદ બાદ જામનગર સહિત કુલ રૂ. 2,923 કરોડના વિકાસકામો લોકાર્પિત કરીને રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ અને જનસુખાકારીનો નવો અધ્યાય શરૂ કર્યો છે.

- Advertisement -

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીની ભારે અછત હતી, પરંતુ વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વમાં ‘સૌની યોજના’ અને ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા અંધારા ઉલેચીને ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે.

- Advertisement -

શહેરી વિકાસના નવા આયામો અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2005થી શરૂ થયેલી શહેરી વિકાસની ઉજવણીથી આજે રાજ્યના નગરોનો નકશો બદલાઈ ગયો છે. અગાઉ ગટરના ઢાંકણા માટે પણ ફંડની તંગી અનુભવતી નગરપાલિકાઓ આજે એક જ દિવસમાં કરોડોના કામો કરી રહી છે. રાજ્યના ઐતિહાસિક બજેટમાં જામનગર માટે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આધુનિક જોગવાઈઓ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ અને અન્ય સુવિધાઓ માટે રૂ. 1775 કરોડના કામો થયા છે, જેમાં 125 ચેકડેમ-તળાવો અને 57 પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે. સાધના કોલોનીના રહેવાસીઓ માટેના આવાસનું ખાતમુહૂર્ત થતા અહીંના વર્ષો જૂના પ્રશ્ર્નનો સુખદ અંત આવ્યો છે.

જામનગરની વૈશ્વિક ખ્યાતિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના પ્રયાસોથી જામનગર આજે વિશ્ર્વના નકશા પર આયુર્વેદના ક્ષેત્રે WHOના ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ તરીકે પ્રસ્થાપિત થયું છે. વંદે ભારત ટ્રેન અને જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે જેવી સુવિધાઓથી શહેરની કનેક્ટિવિટી મજબૂત થઈ છે, જેનો સીધો લાભ સ્થાનિક ઉદ્યોગોને મળશે.

- Advertisement -

અંતમાં મુખ્યમંત્રીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2047 સુધીના આ અમૃતકાળમાં જામનગર ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વની લીડ લેશે અને સમગ્ર પંથક આ વિકાસકાર્યોથી અમૃતમય બનશે.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં શહેરમાં વિકાસની વ્યાખ્યા નળ, ગટર અને રસ્તા(નગર) સુધી સીમિત હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસની પરિભાષા બદલાઈ છે. નળ, ગટર અને રસ્તા વ્યવસ્થા ઉપરાંત બગીચાઓ, તળાવો, હેરિટેજ રીસ્ટોરેશન, ટાઉન હોલ, સાયન્સ સેન્ટર, સ્પોર્ટ્સ સેન્ટર, ઓક્સિજન પાર્ક વગેરે સુવિધાઓ ઉમેરાઇ છે. આવનારો દાયકો ગુજરાતના કાંઠાના શહેરોને ઉદ્યોગો અને પ્રવાસનથી ધબકતાં કરીને ગુજરાતના પ્રથમ શહેરોમાં ફેરવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થનાર છે. 10 વર્ષ પહેલા કોઈને કલ્પના પણ નહોતી કે આટલો લાંબો ફ્લાય ઓવર અહીં આકાર લેશે અને શહેરની નવી ઓળખ બનશે. આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયેલ પ્રકલ્પો જામનગરવાસીઓની સુવિધા અને શહેરની આંતર માળખાકીય સજ્જતામાં વધારો કરશે.

શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે. વિકાસ મેટ્રો સિટી પૂરતો સીમિત ન રહીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે, તેનું આ આપણું શહેર સાક્ષી છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઓક્સિજન પાર્ક એ જામનગરને સ્માર્ટ અને સસ્ટેનેબલ સીટી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ સાબિત થશે. વિકાસની ગતિ સાથે ગુણવત્તાને પણ જાળવવા બદલ સ્થાનિક તંત્ર, નેતૃત્વ અને નગરજનો અભિનંદનને પાત્ર છે.

“વિકાસ ભી, વિરાસત ભી” ને કેન્દ્રમાં રાખીને હેરિટેજ સ્થળોની જાળવણી અને રીસ્ટોરેશન સાથે લોકસુવિધામાં સતત વધારો કરતા અનેક વિકાસ પ્રકલ્પો જામનગરમાં સાકાર થયાં છે. આ તમામ કામો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં એક મજબૂત પગલું છે. વધુમાં તેમણે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર પ્રકલ્પોની રૂપરેખા આપીને મેટ્રોસિટી સમકક્ષ પ્રોજેક્ટ્સ જામનગરને આપવા બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા રૂ.15,300.14 લાખના ખર્ચે 28 કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. 25,961.29 લાખના ખર્ચે 29 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના મુખ્ય કામોમાં પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્તાને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવાનું કામ, બે શાળાઓના નવા બિલ્ડીંગ, ફલ્લા ખાતે 66 કે.વી.નું સબસ્ટેશન, ચાર સબ સેન્ટરો, 30ખકઉ ક્ષમતાનો સુુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ખાતમુહૂર્તના કામોમાં ઓક્સીજન પાર્ક બનાવવાનું કામ, સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રોડના રોડ સાઈડ ડેવલોપમેન્ટ તેમજ જ્ઞાનશક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તેમજ બેડી ગેઈટ જકંશન સર્કલ ડેવલોપ કરવાનું કામ, ગુલાબનગર ખાતે ઈંઝઈંનું નવીન બાંધકામ, નગર પ્રાથિમક શાળા નં-55ના બિલ્ડીંગનું ખાતમુહુર્ત, બ્રીજ બનાવવાના કામો, ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ 372 જર્જરિત મકાનોના પુન: નિર્માણની કામગીરીના કામોનો સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અન્વયે કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.જ્યારે ઉપસ્થિત સૌ મહાનુભાવોને નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડે શાબ્દિક સ્વાગત વડે આવકાર્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, પૂર્વ મેયર વિનોદભાઇ ખીમસુર્યા, પુર્વ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, વિનોદભાઈ ભંડેરી, નિલેશભાઇ કગથરા, આશિષ જોશી, કેતન નાખવા સહિત બહોળી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular