જામનગર મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન લાગૂ થયા બાદ આજે વહીવટદાર આરતી કંવર જામનગર પહોંચતા કમિશનર સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

જામનગર સહિત રાજ્યની મહાનગરપાલિકાઓની હોદ્દેદારોની મુદ્ત તા. 9 માર્ચના રોજ પૂર્ણ થતાં વહીવટદાર શાસન લાગૂ થયું છે. કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા ખાસ સંક્ષિપ્ત મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેને લઇ આગામી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિલંબ થયો છે. ચૂંટણી મોડી થવાની હોય, રાજ્યસરકાર દ્વારા વહીવટદારોની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે રાજ્યના ચીફ ટેક્સ કમિશનર આરતી કંવરની નિમણૂંક કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આરતી કંવર અગાઉ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
View this post on Instagram
જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિયુક્ત થયેલા આરતી કંવર આજરોજ જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરમાં ચાર્જ સંભાળે તે પૂર્વે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, જીએસટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.


