જામનગર નજીક વાડીનાર દરિયામાં આજે “નંદા દેવી” જહાજ દ્વારા એલપીજીનો વિશાળ જથ્થો સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો છે. રાત્રીના અંદાજે 2:30 વાગ્યે જહાજ વાડીનાર પોર્ટ નજીક આવી પહોંચ્યું હતું, જ્યારે બપોરે 1:30 વાગ્યાથી જ સ્થળાંતર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ અને મંત્રાલયના સ્પષ્ટ સૂચનો અનુસાર પ્રાથમિકતાથી હાથ ધરવામાં આવી રહી છે. કુલ અંદાજે 46 હજાર મેટ્રિક ટન LPGનો જથ્થો દેશમાં સપ્લાય માટે લાવવામાં આવ્યો છે, જેમાં તમિલનાડુ અને વેસ્ટ બંગાળ રાજ્યમાં વિતરણ કરવાનું આયોજન છે.
View this post on Instagram
હાલ મોટા જહાજમાંથી નાના જહાજોમાં LPG સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. વાડીનાર પોર્ટ દ્વારા ઓપરેશનમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે અને સમગ્ર પ્રક્રિયા નિયમિત પ્રોટોકોલ મુજબ જ કરવામાં આવી રહી છે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે, બે જહાજોને ગુજરાતના દરિયામાં લાવીને તેમાં રહેલા LPGને નાના જહાજોમાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સઘન સંકલન કરીને ટીમવર્ક સાથે કામગીરી ચાલી રહી છે.
સરકાર દ્વારા આ ઓપરેશનને પ્રાથમિકતા આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે સલામતીના તમામ માપદંડોનું કડક પાલન પણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કામગીરી સુરક્ષિત રીતે પૂર્ણ થાય તે માટે દરેક સ્તરે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.


