Monday, March 16, 2026
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીપૂર્વે જામનગરના પ્રવાસે આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચૂંટણીપૂર્વે જામનગરના પ્રવાસે આવશે

કરોડોના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, ખેડૂત સંમેલન સહિતના કાર્યક્રમો યોજાશે

જામનગર શહેર અને જિલ્લામાં આવનારી મહાનગરપાલિકા ચૂંટણી પહેલા વિકાસની નવી દિશા જોવા મળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 19મી તારીખે ગુરુવારે જામનગરના મહેમાન બનવા જઈ રહ્યા છે. તેમના આ મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન શહેર અને જિલ્લામાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે.

- Advertisement -

મુખ્યમંત્રીના આગમનને લઈને વહીવટી તંત્ર અને સ્થાનિક સંગઠનો દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગોને જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે અને કાર્યક્રમોને સફળ બનાવવા માટે અધિકારીઓ દ્વારા સ્થળોની મુલાકાત લઈ આયોજનને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ટૂંકા ગાળામાં થયેલ આયોજનથી સરકારી અધિકારીઓની દોડધામ વધી છે.

મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી સવારના સમયે જામનગર પહોંચ્યા બાદ સૌથી પહેલા જામનગર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનારા વિશાળ ખેડૂત સંમેલનમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી અહીં ખેડૂતોને સંબોધિત કરીને રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે હાથ ધરાયેલા વિકાસ કાર્યો, નવી યોજનાઓ અને ખેડૂતોના કલ્યાણ માટેના પગલાં અંગે માર્ગદર્શન આપશે.

- Advertisement -

ખેડૂત સંમેલન બાદ મુખ્યમંત્રી શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોમાં હાજરી આપશે. આ તકે રસ્તા, પાણી પુરવઠા, ડ્રેનેજ, શહેરી સુવિધાઓ અને અન્ય અનેક માળખાકીય વિકાસ સંબંધિત કરોડો રૂપિયાના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસ કાર્યો શહેરના આધુનિકીકરણ અને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

મુખ્યમંત્રીના આ પ્રવાસને લઈને જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ વિવિધ સરકારી વિભાગો દ્વારા તૈયારીઓ ઝડપથી શરૂ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળોની વ્યવસ્થા, વાહન વ્યવહાર અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને અધિકારીઓ દ્વારા સતત મિટિંગો યોજાઈ રહી છે. શહેરના વિવિધ સ્થળોએ કાર્યક્રમોને લઈને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનો આ પ્રવાસ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાથી શહેરના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

19મી તારીખે સવારથી બપોર સુધી મુખ્યમંત્રીના વિવિધ કાર્યક્રમો જામનગર શહેર અને જિલ્લામાં યોજાવાના હોવાથી સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમોને સફળ બનાવવા માટે તાત્કાલિક ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં કાર્યક્રમોની વિગતવાર યાદી જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular