FIFA અધ્યક્ષે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની સફળતા પર શ્રી જય શાહને અભિનંદન પાઠવ્યા


આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા યોજવામાં આવેલા મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં યજમાન દેશ ભારતે અમદાવાદના ખીચોખીચ ભરેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને ઐતિહાસિક ત્રીજું અને સતત બીજું T20 વર્લ્ડ કપ ટાઈટલ જીત્યું હતું. T20 વર્લ્ડ કપ 2026ના આયોજનની સફળતા બાદ વૈશ્વિક રમત જગત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ શ્રી જય શાહના દૂરંદેશી નેતૃત્વની પ્રશંસા કરી રહ્યું છે. રમતને વૈશ્વિક બનાવવા અને T20 ફોર્મેટને નવી ઊંચાઈઓ પર લઈ જવાના તેમના પ્રયાસોએ આ ટુર્નામેન્ટને અભૂતપૂર્વ વૈશ્વિક ઉત્સવમાં સફળતાપૂર્વક પરિવર્તિત કરી છે.

ભારત અને શ્રીલંકા દ્વારા સહ-યજમાની કરાયેલી આ એક મહિના લાંબી ટુર્નામેન્ટના વિશાળ સ્કેલ અને ક્ષતિરહિત આયોજનને સમગ્ર રમતગમત જગતમાંથી ભારે પ્રશંસા મેળવી છે. આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવતા, ફીફા (FIFA) અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ શ્રી જય શાહને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.
પોતાની ઇન્ટાગ્રામ પોસ્ટમાં ઇન્ફેન્ટિનોએ લખ્યું, “આઈસીસી અને મારા મિત્ર જય શાહને વધુ એક શાનદાર રીતે આયોજિત T20 વર્લ્ડ કપ માટે અભિનંદન. વધુ એક ટાઇટલ જીતવા બદલ ભારતને ખૂબ ખૂબ અભિનંદન. તમારા અદ્દભૂત દેશની મુલાકાત લીધા પછી, હું જાણું છું કે આ તમારા માટે કેટલું મહત્વનું છે.”
અગાઉ ગત ફેબ્રુઆરીમાં, જિયાની ઇન્ફેન્ટિનો મિલાનમાં શ્રી જય શાહને મળ્યા હતા, જે વિશ્વની બે સૌથી લોકપ્રિય રમતો વચ્ચે એક મોટી ક્રોસઓવર ક્ષણ હતી. શાહને મળ્યા પછી, ઇન્ફેન્ટિનોએ ઇન્સ્ટાગ્રામ પર આઈસીસી અધ્યક્ષ સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેમણે ક્રિકેટના વિકાસમાં તેમના કામની પ્રશંસા કરી હતી અને 2028 ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં આ રમતની ભવ્ય વાપસી માટે તેમને શુભેચ્છા પાઠવી હતી. રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારતીય જર્સી પકડેલો પોતાનો એક ફોટો શેર કરતા ઇન્ફેન્ટિનોએ ભારતીય ક્રિકેટ ટીમને રેકોર્ડ ત્રીજું મેન્સ T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવા બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે “રમતગમત દ્વારા વિશ્વને એક કરવા” ના તેમના પ્રયાસમાં શાહ સાથે સહયોગ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
આઈસીસી અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યા ત્યારથી, શ્રી જય શાહ ક્રિકેટના વૈશ્વિક વ્યાપને વિસ્તારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા યોજવામાં આવેલા મેન્સ T20 વર્લ્ડ કપ 2026 એ અત્યાર સુધીની સૌથી વધારે વ્યૂઅરશીપનો નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026નું પ્રસારણ 80 કરતાં વધારે પ્રદેશોમાં અને 15 કરતાં વધારે ભાષાઓમાં કરવામાં આવ્યું હતું.


