ભારત સતત બીજી વખત ટી20 વર્લ્ડકપ વિશ્વ વિજેતા થતાં જામનગરમાં ખૂબ જ ઉત્સાહભર્યું અને દિવાળી જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યૂઝિલેન્ડ ને કારમો પરાજય આપી ભારત બીજી વખત અને અત્યાર સુધીમાં ત્રણ વખત વિશ્વવિજેતા બનનારી પ્રથમ ટીમ બનતા જ ‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ પૂર્ણ થતાની સાથે જ શહેરના માર્ગો પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.ક્રિકેટ પ્રેમીઓ હાથમાં તિરંગા લઈ, બાઇક અને કાર પર સવાર થઈને “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” નારા સાથે નીકળી પડ્યા હતા. જામનગર શહેર ના હવાઈ ચોક સહિતના વિસ્તારમાં ફટાકડાની સાથે વિજયોત્સવ જોવા મળ્યો હતો.ગુજરાતી હોવાને નાતે, જામનગરના ચોક વિસ્તારોમાં લોકોએ ઢોલ-નગારાના તાલે ગરબા રમીને ભારતની આ ઐતિહાસિક જીતને વધાવી હતી.

શહેરના દરેક ચોક અને મહોલ્લામાં યુવાનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારાના તાલે લોકો રસ્તા પર ગરબે ઘૂમ્યા હતા. “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે આખું શહેર ગુંજી ઉઠ્યું હતું. હજારોની સંખ્યામાં થયેલી આતશબાજીને કારણે મધરાતે પણ દિવાળી જેવું દ્રશ્ય સર્જાયું હતું. રાત્રિના ગજગજતા અંધકારમાં પણ ફટાકડાની આતશબાજીને કારણે દિવસ જેવો માહોલ સર્જાયો હતો.
View this post on Instagram


