જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતી યુવતીએ એક વર્ષ પહેલાં તેણીના કૌટુંબિક ભાઇ સાથે લગ્ન કરવા માટે ભાગી ગયાનો ખાર રાખી તેણીનો પતિ બોલાચાલી અને ઝઘડો કરતો હતો. ત્યારે કારખાનાના મજૂરોએ ઝઘડો કરવાની ના પાડતા પતિ મજૂરો સાથે ઝઘડો કરતો હતો ત્યારે કારખાનેદારએ યુવતીના પતિનો હાથ ખેંચી સિડી પરથી પછાડી દીધો હતો.

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં મસિતિયા રોડ ઉપર આવેલા ઉર્જા ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક-1ની શેરી નંબર 2માં પ્લોટ નંબર 10માં આવેલા પવનપુત્ર પ્રોડકટ્સ નામના કારખાનામાં મજૂરીકામ કરતાં પ્રકાશભાઇ મોખરા નામના શ્રમિક યુવાનની પત્ની કિરણબેનના પતિ, દિયર અને સાસુ કારખાને ગયા હતા. એક વર્ષ પહેલાં કિરણબેન તેના કૌટુંબિક ભાઇ સાથે લગ્ન કરવા ભાગી ગઇ હોય તે બાબતે તેણીના પતિ ઝઘડો કરતો હતો. તેથી કારખાનાના મજૂરોએ ઝઘડો કરવાની ના પાડી હતી. જેથી પ્રકાશ તથા તેનો ભાઇ મજૂરો સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી મજૂરોએ કારખાનેદાર જયદીપ તાળાને બોલાવ્યા હતા. સ્થળ પર આવેલા કારખાનેદારએ પ્રકાશ અને તેના ભાઇને ઝઘડો નહીં કરવા સમજાવ્યા હતા. ત્યારબાદ કારખાનેદારએ પ્રકાશને કારખાનામાંથી નીકળી જવાનું કહી ઉપરના માળેથી હાથ ખેંચી નીચે સિડી ઉપર ધક્કો મારી પછાડી દેતાં માથામાં પાછળના ભાગે પ્રકાશને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની પત્ની કિરણબેન દ્વારા જાણ કરાતા પીઆઇ વી. જી. રાઠોડ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ કારખાનેદાર વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


