જામનગર શહેરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ખોજાનાકા વિસ્તારમાં અસમાજિક તત્ત્વો દ્વારા વીજચોરી કરાતી હોવાથી પોલીસ અધિક્ષકના નેજા હેઠળ પોલીસ ટીમએ પીજીવીસીએલની ટીમને સાથે રાખી ચેકિંગ કામગીરી દરમ્યાન આઠ શખ્સોને ત્યાં કુલ રૂા. 7,76,603ની ગેરરીતિ ઝડપાતાં વીજજોડાણો કાપી નાખવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં રહેલાં અસામાજિક તત્ત્વો અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા શખ્સો દ્વારા વીજચોરી આચરવામાં આવતી હોવાથી અસામાજિક તત્ત્વોના રહેણાંક મકાને તપાસ માટે જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ એલસીબી પીઆઇ વી. એમ. લગારિયા, એન. એ. ચાવડા, બી. એન. ચૌધરી તથા એલસીબી, એસઓજી, સિટી ‘એ’ ડિવિઝન, પેરોલ સ્કવોડનો સ્ટાફ, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનિયર એસ. આર. પરમાર, જુનિયર એન્જીનિયર વી. જી. શર્મા, એચ. એમ. વડગામા સહિતની ટીમો દ્વારા જામનગરના પટ્ટણીવાડ, સુમરા ચાલી, ટીટોડીવાડી, ખોજા નાકા વિસ્તારમાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી ચેકિંગ કામગીરી દરમ્યાન પટ્ટણીવાડમાં રહેતાં રેહાન ઇકબાલ બેલિમના મકાનમાં એકસ્ટ્રા વાયરથી વીજચોરી પકડાતાં પીજીવીસીએલ દ્વારા રૂા. 2,06,313.67 તથા જુનેદ અ.રજાક પટ્ટણીના મકાનમાંથી એકસ્ટ્રા વાયરથી વીજચોરી પકડાતાં રૂા. 2,49,440.25, પટ્ટણીવાડમાં રહેતાં હનિફભાઇ ઉંમરભાઇ પંજાના મકાનમાંથી ડાયરેક્ટ લંગરથી વીજચોરી પકડાતા રૂા. 2523.50, પટ્ટણીવાડમાં રહેતાં શહેનાઝ ફારૂકહુશેન શેખ એકસ્ટ્રા વાયરથી વીજચોરી પકડાતા રૂા. 1,03,168.02 અને અખ્તર હસન કોઠારીના મકાનમાં ડાયરેક્ટ લંગારથી કરાતી વીજચોરી ઝડપાતા રૂા. 90,123.43 તથા અબ્દુલગની ઉમર બશરના મચ્છીપીઠ, વાઘેરવાડાના મકાનમાંથી રૂા. 20 હજારની, કિશાનચોકમાં રહેતા નૂરમામદ હાસન ખફીના મકાનમાં એકસ્ટ્રા વાયરથી વીજચોરી ઝડપાતા રૂા. 1,00,000 તેમજ ટીટોડી વાડી વિસ્તારમાં હુશેન ઓસમાણ મુરીમાના મકાનમાં ડાયરેક્ટ લંગરથી વીજચોરી ઝડપાતા રૂા. 5034.63નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, પોલીસ દ્વારા પીજીવીસીએલ સાથે હાથ ધરાયેલા ચેકિંગમાં ડાયરેક્ટ લંગારથી વીજચોરીના ચાર કેસ તથા પાવરચોરીના ચાર કેસોમાં રૂા. 7,76,603નો દંડ ફટકારી વીજજોડાણ કાપી નાખવામાં આવ્યા હતા.
આમ, પોલીસ અને પીજીવીસીએલ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોને ત્યાં વીજ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતાં 10 થી વધુ શખ્સોને ત્યાં વીજચોરી ઝડપી લઇ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.


