Friday, February 6, 2026
Homeરાજ્યહાલારસિક્કા જેટી પાસેના દરિયામાં ડૂબતાં યુવાનને બચાવી લેવાયો

સિક્કા જેટી પાસેના દરિયામાં ડૂબતાં યુવાનને બચાવી લેવાયો

દરિયામાં ફરવા ગયેલો યુવાન વીર આવતા ફસાયો : સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્ક્યૂ : સિક્કા પોલીસ તથા 108 સ્થળ પરસ્થા

જામનગર નજીક સિક્કા જેટીના દરિયામાં બપોરના સમયે એક પરપ્રાંતિય યુવાન પાણી ઉતરી ગયું હોવાથી અંદર ઉતર્યો હતો, તે દરમિયાન એકાએક વીર આવી જતાં પોતે પાણીમાં ફસાયો હતો, અને મદદ માંગી હતી. જેથી સિક્કા પોલીસની ટુકડી તથા 108 ની ટીમેં સ્થાનિક તરવૈયાની મદદ લઈને એક નોટિકલ માઈલ અંદર દરિયામાં ફસાયેલા યુવાનને ડૂબતો બચાવ્યો હતો, અને બહાર સહી સલામત કાઢી લીધો હતો, જેને પગમાં ઈજા થઈ હોવાથી સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. બચી ગયેલા યુવાને પોલીસ તંત્ર અને 108 ની ટીમ સહિત સર્વેનો આભાર માન્યો હતો.

- Advertisement -

આ બનાવ ની વિગત એવી છે કે જામનગર નજીક મોટી ખાવડીમાં રહીને એક ખાનગી કંપનીમાં કામ કરતો અજીમ મુક્તારખાન શેખ નામનો 30 વર્ષનો પરપ્રાંતિય યુવાન કે જે ગુરુવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં સિક્કા જેટી પાસે ફરવા આવ્યો હતો, અને દરિયામાં પાણી પાછું ફર્યું હોવાથી દરિયાઈ ઓટ ના કારણે છેક એકાદ નોટિકલ માઈલ સુધી દરિયામાં ચાલીને પહોંચ્યો હતો.

પરંતુ તે કાંઈ સમજે તે પહેલાં એકાએક વીર આવી ગઈ હતી, અને પોતે પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેની કમર અને છાતી સુધી પાણી આવી જતાં અને નીચે દરિયાઈ પથ્થર પગમાં વાગવા ના કારણે પોતે ઈજાગ્રસ્ત બન્યો હતો. દરમિયાન પોતાના પાસે રહેલા મોબાઇલ મારફતે તેણે સૌ પ્રથમ 112 નંબરની પોલીસ ટીમની મદદ માંગી હતી, પોતે કયા ફસાયો છે, તે સરખું લોકેશન આપી શક્યો ન હતો, અને આ વિસ્તારથી પણ પોતે અજાણ હતો. દરમિયાન સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ભાયાભાઈ મશુરા અને કિશોરસિંહ જાડેજા 112 નંબરની પોલીસ જીપ લઈને તાત્કાલિક અસરથી સાયરન વગાડતા ની સાથે સાથે સિક્કા જેટી પાસે પહોંચ્યા હતા.

- Advertisement -

આ સમયે 108 ની ટુકડીની પણ મદદ લેવાઈ હતી, અને 108 ની ટીમના પાયલોટ ઘનશ્યામસિંહ જાડેજા અને દક્ષાબેન વાજા કે જેઓ પણ દરિયામાં ફસાયેલા યુવાન અજીમ સાથે મોબાઈલ નો સંપર્ક ચાલુ રાખીને સિક્કા જેટી સુધી પહોંચ્યા હતા.

દરમિયાન પોલીસે એક સ્થાનિક તરવૈયા હસન કાસમભાઈ કમોરાની મદદ લીધી હતી, અને આશરે એકાદ નોટિકલ માઈલ સુધી દરિયાની અંદર ફસાઈ ગયેલા અજીમ શેખને સહી સલામત રીતે બહાર કઢાવ્યો હતો. જેને પગમાં ઈજા થઈ હોવાથી સૌ પ્રથમ પ્રાથમિક સારવાર આપી હતી, અને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે તેને સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. જ્યાં તેની પ્રાથમિક સારવાર કરાયા બાદ તેને રજા આપી દેવામાં આવી હતી.

- Advertisement -

સિક્કા પોલીસ સ્ટેશનની ટુકડી, તેમજ 108 ની ટીમ તથા સ્થાનિક તરવૈયા વગેરે ની અડધો કલાકની જહેમત ને કારણે આખરે એક યુવાન દરિયામાં ડૂબતો બચ્યો હતો, અને તેને સહી સલામત બહાર કાઢી લીધો હતો. જેથી તેણે પોલીસ તથા 108 સહિતની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular