Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમાવતરે દિવાળી કરવા થોડા દિવસ પછી જવાનું કહેતાં પરિણીતાની આત્મહત્યા

માવતરે દિવાળી કરવા થોડા દિવસ પછી જવાનું કહેતાં પરિણીતાની આત્મહત્યા

ખેતીની સીઝન હોય અને તહેવારના કારણે થોડા દિવસ પછી માવતરે જવાનું કહ્યું : આ બાબતનું મનમાં લાગી આવતા યુવતીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : દિ.પ્લોટમાં આર્થિક સંકળામણથી કંટાળી યુવાને આયખું ટૂંકાવ્યું : ઈન્દ્રદિપ સોસાયાટીમાં વૃદ્ધનો મૃતદેહ સાંપડયો

જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતી પરિણીતાને માવતરે દિવાળી કરવા જવાની ના પાડતા આ બાબતનું મનમાં લાગી આવતા યુવતીએ પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરના દિ.પ્લોટમાં રહેતાં યુવાને આર્થિક સંકળામણથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગરની ઈન્દ્રદિપ સોસાયટીમાં રહેતા વૃધ્ધને બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં રહેતાં પ્રિયાબા યશપાલસિંહ જાડેજા (ઉ.વ.25) નામની પરિણીતાને દિવાળીના તહેવારમાં તેના માવતર ભાવનગર જવાનું હતું પરંતુ, પતિ તથા ઘરના સભ્યોએ ખેતીની સીઝન ચાલુ હોવાથી નવરાત ન હોય જેથી થોડા દિવસ પછી જવાનું કહેતાં મનમાં લાગી આવતા પ્રિયાબાએ તા.20 ના રોજ સાંજના સમયે તેના ઘરે રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક યુવતીના પિતા ચંદ્રસિંહ ગોહિલ દ્વારા જાણ કરાતા પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના 45 દિગ્વીજય પ્લોટમાં ગણેશવાસ વાલ્મિકીવાસમાં રહેતાં રાજેશકુમાર તુલસીભાઈ પરમાર (ઉ.વ.28) નામના યુવાને ગત તા. 25 ના રોજ સવારે 6 વાગ્યાથી 11:15 વાગ્યા સુધીના સમય દરમિયાન તેના ઘરની છતના પંખામાં આર્થિક સંકળામણથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈ કિશન દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઇ એફ.જી. દલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર શહેરના ઈન્દ્રદિપ સોસાયટીમાં ડી-3 પાસે મહેશભાઇ મુળશંકરભાઈ ભટ્ટ (ઉ.વ.69) નામના વૃદ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા હર્ષિત પોપટ દ્વારા જાણ કરાતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હેકો જે.કે. વજગોર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular