દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી બહાર પાડી છે. તેવામાં હવે ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરીએન્ટના કેસ સામે આવ્યા છે.
ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટના કેસ હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. આ બંને મહિલાઓએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી.બંને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ લીધેલા છે. ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થતા જ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હાલ ગાંધીનગર હેલ્થ વિભાગે ટ્રેસિંગ કામગીરી શરૂ કરી દીધી છે. સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલી દેવાયા છે.
દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1ને કેરળમાં સમર્થન મળ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચના મોત થયા છે.
કોરોના વાઇરસનો નવો વેરિયન્જ JN-1 મળી આવ્યા પછી કેન્દ્રએ તેના અંગે ચેતવણી જારી કરી છે. કેરળમાં તિરુવનન્તપુરમની 79 વર્ષીય મહિલાના સેમ્પલમાં નવો વેરિયન્ટ જેએન-1 મળી આવ્યો હતો. તમિલનાડુના તિરુચિરાપલ્લીની આ રહેવાસી સિંગાપોરનો ટ્રાવેલ હિસ્ટરી ધરાવે છે. કેન્દ્રની એડવાઇઝરીમાં જણાવાયું છે. આગામી સીઝન તહેવારોની હોઈ જાહેર આરોગ્યના મોરચે પૂરતા પ્રમાણમાં પગલાં લેવા જરૂરી છે અને રોગનું ઓછામાં ઓછું પ્રસરણ થાય તે પ્રકારની પરિવહન વ્યવસ્થા ગોઠવવી પણ જરુરી છે. તેની સાથે શ્ર્વાસોચ્છવાસની પ્રક્રિયાને પણ ઉચ્ચસ્તરે જાળવી રાખવી જરુરી છે. દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવાના શરૂ થઈ ગયા છે. કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટની જાણકારી મળ્યા પછી કેરળ સરકાર સક્રિય થઈ ગઈ છે. તેણે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાના વધતા કેસોથી ચિંતિત છે. થાણેમાં વેરિઅન્ટ JN-1નો પ્રથમ કેસ નોંધાયો છે. 19 વર્ષની યુવતીમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN-1ના લક્ષણ મળ્યા છે.યુવતીને સારવાર માટે કાલવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.તો બીજી તરફ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ હાલ દોડતુ થઇ ગયુ છે. હાલ દર્દીની તબિયત સ્થિર છે.