જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એન્જીનિયરના મકાનમાંથી સોનાના દાગીનાની ચોરીના બનાવમાં તેના ઘરે આવેલી બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતીને પોલીસે ચોરાઉ દાગીના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટેલકોલોની શેરી નં.8/1 માં આવેલા દેવ એલીંગ્સમાં 502 નંબરના ફલેટમાં રહેતાં સંદિપભાઈ પરમાર નામના એન્જીનિયરના મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. આ ચોરીના બનાવની તપાસ દરમિયાન પો.કો. બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે એન ઝાલાની સૂચનાથી પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મુકેશસિંહ રાણા, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફે વિકટોરીયા પુલ પાસેથી બાતમી મુજબની વાદળી કલરનો કોટ અને સ્કાય કલરનું બ્લુ જીન્સ પહેરેલ યુવતીની અટકાયત કરી હતી.
પોલીસે ઝડપાયેલી ઉર્વીબેન નિલેશ નામની યુવતીની પૂછપરછ હાથ ધરતા બ્યુટીપાર્લરનું કામ કરતી યુવતી પાસેથી રૂા.1,63,317ની કિંમતના 59 ગ્રામ સોનાના ચોરાઉ દાગીના મળી આવતા કબ્જે કર્યા હતાં અને પૂછપરછમાં યુવતીએ સંદિપભાઈના ઘરેથી કબાટમાં રાખેલા સોનાના દાગીનાની ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી દાગીના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.