જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં છેલ્લા બાર દિવસ દરમિયાન ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયેલા ૭ બાળકો સારા માટે દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલના તબીબી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બાળરોગ વિભાગમાં દાખલ થયેલા તમામ ૭ બાળકોના ચાંદીપુરા વાયરસ માટેના લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે, આ પૈકી પાંચ બાળકોના સારવાર દરમિયાન દુઃખદ મોત થયા છે, જ્યારે બે બાળકો હાલ સારવાર હેઠળ છે અને તેમની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી હવે આ તમામ કેસોને એક્યુટ એન્સેફાલાઇટિસ સિન્ડ્રોમ (AES) અંતર્ગત અન્ય વાયરસ અથવા ચેપના સંભવિત કારણો જાણવા માટે ઉચ્ચ કક્ષાની લેબોરેટરીમાં વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અંતિમ રિપોર્ટ મળ્યા બાદ જ બાળકોના રોગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.
દાખલ થયેલા દર્દીઓમાં જામનગરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતી બે વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. તેને ૧૭ જુલાઈના રોજ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. તેનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
View this post on Instagram
દિગજામ સર્કલ નજીક રહેતા ૧૧ માસના બાળકને પણ ૧૭ જુલાઈના રોજ ચાંદીપુરા જેવા લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ તે સારવાર હેઠળ છે. તબીબોના જણાવ્યા મુજબ તેની તબિયતમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાની છ વર્ષની બાળકીમાં પણ ચાંદીપુરા જેવા લક્ષણો જોવા મળતા તેને જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારબાદ તેનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના બે વર્ષના બાળકને પણ શંકાસ્પદ લક્ષણો બાદ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું અને તેનો ચાંદીપુરા રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
જામનગર જિલ્લાના આમરા ગામના અઢી વર્ષના બાળકને ચાંદીપુરા જેવા લક્ષણો જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ બાળક સારવાર હેઠળ છે અને તેની તબિયતમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કાલાવડ ગામના નવ માસના બાળકને પણ ગંભીર લક્ષણો સાથે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેનો ચાંદીપુરા રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
જામનગર શહેરના દોઢ વર્ષના બાળકને પણ શંકાસ્પદ લક્ષણો બાદ જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. આ બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.
હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ૧૭ જુલાઈથી અત્યાર સુધી કુલ સાત બાળકો બાળરોગ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં જામનગર જિલ્લાના ચાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. કુલ સાત દર્દીઓમાં બે બાળકી અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. સારવાર દરમિયાન પાંચ બાળકોના મોત થયા છે, જ્યારે બે બાળકો હાલ સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સુધારા પર છે. સૌથી મહત્વની બાબત એ છે કે તમામ સાત બાળકોના ચાંદીપુરા વાયરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
જામનગરની સરકારી જીજી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડો. સોનલ શાહે જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસ ન હોવાનું સ્પષ્ટ થતાં હવે આ કેસોમાં અન્ય વાયરસ અથવા એક્યુટ એન્સેફાલાઇટિસ સિન્ડ્રોમના સંભવિત કારણોની શોધ માટે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. તેના માટે સેમ્પલ ઉચ્ચ કક્ષાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
જી.જી. હોસ્પિટલના બાળરોગ વિભાગ (PICU)માં આવા ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે. હોસ્પિટલમાં પૂરતા ICU બેડ, બાળરોગ નિષ્ણાતોની ટીમ, જરૂરી દવાઓ તેમજ ઇમરજન્સી સારવારની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે.
હોસ્પિટલ તંત્રએ વાલીઓને અપીલ કરી છે કે જો બાળકોમાં તીવ્ર તાવ, સતત ઉલટી, આંચકી આવવી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો સમય ગુમાવ્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા જી.જી. હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લાવવા જોઈએ. સમયસર સારવારથી ગંભીર પરિસ્થિતિને ટાળી શકાય છે.
હાલ ચાંદીપુરા વાયરસના તમામ રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ અન્ય સંભવિત કારણોની તપાસમાં વ્યસ્ત છે અને અંતિમ વૈજ્ઞાનિક અહેવાલ મળ્યા બાદ જ બાળકોના રોગનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવશે.


