જામનગર શહેરના બેડી કરીમજામના નાકા પાસે મંગળવારે રાત્રિના સમયે બાઈક પર જતા યુવકે હોર્ન મારતા ચાર શખ્સોએ ઉશ્કેરાઇને લાકડાના ધોકા વડે હુમલો કરતા યુવકને છોડાવવા પડેલી મહિલા અને દાદા-દાદી સહિતના પાંચ શખ્સો ઉપર હુમલો કરી નાશી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં કરીમજામના નાકા પાસે રહેતો અને મજૂરી કામ કરતો ફૈયાઝ હારુન સાંઘાણી નામનો યુવક મંગળવારે રાત્રિના સમયે તેના બાઈક પર ઘરે જતો હતો તે દરમિયાન બાઈકમાં હોર્ન મારવાથી રસ્તા પર ચાલીને જતા મનસુર ગંઢાર નામના શખ્સે આ બાબતનો ખાર રાખી મનસુર ગંઢાર, અસગર સોઢા, હુશેન સોઢા અને ફિરોજ સોઢા નામના ચાર શખ્સોએ એકસંપ કરી ફૈયાઝને ઘરે જઈ પિતાને ગાળે કાઢી હતી. જેથી ફૈયાઝે પિતાને ગાળો દેવાની ના પાડતા ચારેય શખ્સોએ યુવકને લાકડાના ધોકા વડે માર મારતા હતાં. તે દરમિયાન નાઝમીનબેન વચ્ચે છોડાવવા પડતા તેના ઉપર પણ ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ યુવકના પિતા અને દાદા-દાદી વચ્ચે પડતા ચારેય શખ્સો એ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી.
ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં યુવક અને મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે ફૈયાઝની ફરિયાદના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.