દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા નજીકના દરિયાઈ વિસ્તારમાં ડોલ્ફિન માછલીઓની મનમોહક અવરજવર જોવા મળતાં દરિયાઈ જીવસૃષ્ટિનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો છે. દરિયાના સ્વચ્છ પાણીમાં ડોલ્ફિનની અદભુત હિલચાલનો વીડિયો સામે આવ્યો છે, જે દરિયાઈ પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે.
દરિયાના પાણીની સપાટીની નજીક એક ડોલ્ફિન સ્વચ્છ રીતે તરતી જોવા મળે છે. ત્યારબાદ આસપાસના પાણીમાં અન્ય ડોલ્ફિન પણ હલનચલન કરતી નજરે પડે છે. દરિયાના શાંત પાણીમાં ડોલ્ફિનની આ અવરજવર અત્યંત આકર્ષક લાગી રહી છે.
વીડિયોમાં કેમેરા દરિયાના વિશાળ વિસ્તારમાં ફેરવવામાં આવતાં દૂર એક બોટ પણ જોવા મળે છે, જેમાં કેટલાક લોકો સવાર હોવાનું નજરે પડે છે. જ્યારે વીડિયોના અંતિમ ભાગમાં બે ડોલ્ફિન એકસાથે પાણીમાં તરતી જોવા મળે છે. ડોલ્ફિનની આ કુદરતી હિલચાલના દૃશ્યો દરિયાઈ જીવસૃષ્ટિની સમૃદ્ધિ દર્શાવે છે.
View this post on Instagram
બેટ દ્વારકા અને આસપાસનો દરિયાઈ વિસ્તાર પોતાની કુદરતી સુંદરતા અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે જાણીતો છે. આવા દુર્લભ અને મનમોહક દૃશ્યો પ્રવાસીઓ તેમજ પ્રકૃતિપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. દરિયાની વચ્ચે મુક્તપણે વિહરતી ડોલ્ફિનનો આ વીડિયો હાલ આકર્ષણ જમાવી રહ્યો છે.


