લાલપુર તાલુકાના ભણગોર ગામના પાટીયા પાસેથી પસાર થતા બાઈકસવારને પુરપાટ બેફીકરાઈથી આવતી ઈનોવા કારના ચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી
અકસ્માતના બનાવની વિગત મુજબ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાળાખુટ ગામનો વતની અને હાલ કાલાવડ તાલુકાના જાલણસર ગામમાં રહીને મજૂરી કામ કરતો યુવાન તેની જીજે-03-એચએમ-0138 નંબરની બાઈક પર ગત્ તા.7 ના રોજ રાત્રિના સમયે જામજોધપુરથી લાલપુર તરફ આવતો હતો તે દરમિયાન ભણગોર ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે પુરપાટ બેફીકરાઇથી આવી રહેલી જીજે-37-એસી- 0070 નંબરની કાળા કલરની ઈનોવા કારના ચાલકે બાઈકચાલકને જોરદાર ઠોકર મારી હડફેટે લેતાં ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાલક યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઈ મીથુનભાઈ જાંબુભાઈ મીનાવા (ઉ.વ.21) નામના યુવક દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ પી ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


