સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે આ યાત્રાળુઓને રિલાયન્સ ફાઉન્ડેશનની સહાયથી ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત, પૂજારી પરિવાર તેમજ પંડા સમાજના સંચાલન મારફતે વિના મૂલ્યે શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગે દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા જણાવાયું છે કે દેશની પ્રથમ હરોળની ઔદ્યોગિક સંસ્થા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંતભાઈ અંબાણીના સેવા સંકલ્પથી દેશ-વિદેશથી દ્વારકામાં આવતા યાત્રીકો માટે વધુ એક સેવા અધ્યાયનો ઉમેરો થઈ રહ્યો છે. જે અંતર્ગત અનંત અંબાણીના સંયોગથી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજ દ્વારા સંચાલિત પ્રસાદાલયમાં હવે યાત્રિકોને વિના મૂલ્યે ભોજન પ્રસાદની સેવા શરૂ કરવામાં આવી છે.
બુધવાર તા. 7 થી શરૂ કરવામાં આવેલી આ સેવામાં ભોજન પ્રસાદાલયમાં દરરોજ અંદાજે 4000 જેટલા યાત્રિકો વિનામૂલ્યે ભોજન પ્રસાદ ગ્રહણ કરી, ધન્યતા અનુભવશે. દ્વારકા ગૂગળી બ્રાહ્મણ 505 સમસ્ત, પુજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજના કુશળ સંચાલન અને રિલાયન્સ ફાઉન્ડેશનના આર્થિક અનુદાનથી આ યાત્રી સેવાનો પ્રારંભ થયો છે.
યાત્રાધામ દ્વારકામાં અનંત અંબાણીની સમર્પિત સેવા ભાવના થકી શરૂ કરવામાં આવેલા આ ભોજન પ્રસાદનો મુખ્ય હેતુ દ્વારકાધીશના દર્શનાર્થે આવતા યાત્રિકો પોતાની આધ્યાત્મિક યાત્રા દરમિયાન શારીરિક અને માનસિક રીતે ઉર્જાવાન રહે તેમજ પવિત્રતા સાથે શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદ મળી રહે તે આ પ્રસાદાલયનો મૂળ મંત્ર છે. અહીં પીરસવામાં આવતું આ ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી, પરંતુ “અતિથિ દેવો ભવ:” આપણી સનાતન સંસ્કૃતિની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું એક પવિત્ર માધ્યમ છે.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા યાત્રાધામ દ્વારકામાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધા તથા સેવા માટે હાથ ધરવામાં આવેલી આ ખાસ પહેલ “સેવા એ જ પરમ ધર્મ”ની ભાવના વધુ મજબૂત બનાવે છે. રિલાયન્સ ફાઉન્ડેશન અને શ્રી દ્વારકા ગૂગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત, પૂજારી પરિવાર તથા સમસ્ત પંડા સમાજના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલી આ વિના મૂલ્યે ભોજન પ્રસાદની સેવા યાત્રાધામ દ્વારકા આવતા યાત્રાળુઓની શ્રદ્ધાને વધુ સુખદ સાત્વિક અને સ્મરણીય બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.


