મેટાએ પોતાના બે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામને પેઈડ બેસ્ડ કરવાનો નિર્ણય કર્યો છે. હવે યુઝર્સને આ બંને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માટે પૈસા ચુકવવા પડશે.
મળેલા અહેવાલો મુજબ હાલ મેટાએ આ નિર્ણય યુરોપ માટે લીધો છે. યુરોપિયન યુનિયન તરફથી જાહેરાત અને પ્રાઈવેસીને લઈને સતત કરવામાં આવી રહેલા દબાણ વચ્ચે મેટાએ આ નિર્ણય લોધો છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું પેઈડ વર્ઝન કંપની ભારતમાં પણ લોન્ચ કરી શકે છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જાણકારી મળી નથી. મળેલા અહેવાલો મુજબ યુરોપિયન યુનિયનના દેશો માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની બે સર્વિસ હશે જેમાં એક ફ્રી હશે જયારે બીજી સર્વિસ માટે પૈસા ચુકવવા પડશે. જે યુઝર્સ આ બંનેની પેઈડ સર્વિસ લેશે તેમને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાતો દેખાડવામાં નહી આવે અને જે યુઝર્સ ફ્રી વર્ઝનનો ઉપયોગ કરશે તેમને પહેલાની જેમ જાહેરાત દેખાડવામાં આવશે. મેટાએ અત્યાર સુધી આં અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.હાલ મેટાએ એ પણ સ્પષ્ટ નથી કર્યું કે યુઝર્સને પેઈડ વર્ઝન માટે કેટલા પૈસા ચુકવવા પડશે. આ ઉપરાંત એક જ પેઈડ સર્વિસ અંતર્ગત ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંનેનો ઉપયોગ કરી શકાશે કે પછી બંને માટે અલગ અલગ પ્લાન લેવો પડશે. વર્ષ 2019થી મેટા યુરોપિયન યુનિયનની તપાસનો સામનો કરી રહી છે. લાંબા સમયથી મેટા પર યુઝર્સનો ડેટા તેમની પરવાનગી વિના એકત્રિત કરવાનો આરોપ છે.