કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં મકાનની બહાર બાથરૂમમાંથી પોલીસે તલાસી લેતા 21 બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઇ આગળની પુછપરછ હાથ ધરી હતી.

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં આવેલા મોહીરાજસિંહ હકુમતસિંહ જાડેજાના ખેતરના મકાનની બહાર આવેલા બાથરૂમમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા બાથરૂમમાંથી રૂા.10,500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 21 બોટલો મળી આવતા પોલીસે મોહીરાજસિંહ હકુમતસિંહ જાડેજા અને જયદીપસિંહ સુખદેવસિંહ જાડેજા નામના બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર ગામમાં ચાર થાંભલા પાસેના વિસ્તારમાંથી જીજે-03-એચકયુ-4840 નંબરની બાઈક પર પસાર હેમલ હસમુખ સાદરીયા નામના શખ્સને લાલપુર પોલીસે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.10,500 ની કિંમતની 21 બોટલ દારૂ અને રૂા.20000 ની કિંમતનું બાઈક મળી કુલ રૂા.30,500 ના મુદ્દામાલ સાથે હેમલની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં લાલપુરના અરમાન સલીમ દલની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના 80 ફુટ રોડ પર મહાવીરનગર પાછળના વિસ્તારમાંથી જીજે-10-ડીપી-0695 નંબરના બાઈકસવાર પાર્થ મનસુખ કામાણી નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે રૂા.50,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી પસાર થતા વિશાલ જેન્તી ઘેડિયા નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે વિશાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરમાં ભીમવાસ વિસ્તારમાંથી પસાર થતા મહેશ પુંજા જાદવ નામના શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.200 ની કિંમતના બીયરના બે ટીન મળી આવતા પોલીસે મહેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.