Friday, August 14, 2026
Homeરાજ્યજામનગરરાહુલ ગાંધીના નિવેદન સામે પૂનમબેન માડમના આકરા પ્રહાર, અશોભનીય ભાષા માટે કરી...

રાહુલ ગાંધીના નિવેદન સામે પૂનમબેન માડમના આકરા પ્રહાર, અશોભનીય ભાષા માટે કરી સખત ટીકા – VIDEO

જામનગરના સાંસદ પૂનમબેન માડમે વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા વિદેશી મહિલા નેતા અંગે કરવામાં આવેલી ટિપ્પણી સામે સખત વિરોધ નોંધાવ્યો છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પૂનમબેન માડમે રાહુલ ગાંધીની ભાષાને અશોભનીય અને નિંદનીય ગણાવી હતી અને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન જેવા મહત્વપૂર્ણ હોદ્દા પર રહેલા વ્યક્તિ અંગે જાહેર જીવનમાં જવાબદાર અને સંયમિત ભાષાનો ઉપયોગ થવો જોઈએ.

- Advertisement -

પૂનમબેન માડમે જણાવ્યું હતું કે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી પાસેથી દેશના મહત્વના મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા અને સરકારની નીતિઓ અંગે તથ્ય આધારિત વિરોધની અપેક્ષા રાખવામાં આવે છે. સંસદમાં દેશહિત સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવીને સરકારને સકારાત્મક સૂચનો આપવા જોઈએ, પરંતુ તેના બદલે વ્યક્તિગત ટિપ્પણીઓ અને અશોભનીય ભાષાનો ઉપયોગ કરવો એ યોગ્ય રાજકીય પરંપરા નથી.

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વ સમક્ષ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના સાથે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. આવા સમયે દેશના વડાપ્રધાન તેમજ કોઈ વિદેશી મહિલા નેતા અંગે જાહેરમાં અશોભનીય પ્રકારની ટિપ્પણી કરવાથી માત્ર રાજકીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દેશની છબી અંગે નકારાત્મક સંદેશ જઈ શકે છે. રાજકીય મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ મતભેદ વ્યક્ત કરતી વખતે ભાષાની મર્યાદા જાળવવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

- Advertisement -

પૂનમબેન માડમે આક્ષેપ કર્યો હતો કે આવા નિવેદનોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને કોઈ નુકસાન થવાનું નથી. પરંતુ આવા પ્રકારના નિવેદનો કરનાર વ્યક્તિની પોતાની વિચારસરણી અને રાજકીય અભિગમ અંગે લોકોમાં ચોક્કસ સંદેશ જાય છે. દેશના વડાપ્રધાનની નીતિઓનો વિરોધ કરવો હોય તો તેના માટે અનેક લોકશાહી અને બંધારણીય માધ્યમો ઉપલબ્ધ છે, પરંતુ વ્યક્તિગત સ્તરે જઈને ટિપ્પણી કરવી એ લોકશાહી ચર્ચાની ગરિમાને અનુરૂપ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિપક્ષ લોકશાહીમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સરકારની કામગીરી પર સવાલ ઉઠાવવાની સાથે વૈકલ્પિક નીતિઓ અને ઉકેલો રજૂ કરવાની જવાબદારી પણ વિપક્ષની છે. તેથી વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી પાસેથી વધુ જવાબદાર અને મુદ્દાસર રાજકીય અભિગમની અપેક્ષા છે.

અંતમાં પૂનમબેન માડમે જણાવ્યું હતું કે રાજકીય મતભેદો ગમે તેટલા હોય, પરંતુ જાહેર જીવનમાં ભાષાની મર્યાદા અને રાજકીય શિષ્ટાચાર જાળવવો જરૂરી છે. નિમ્ન સ્તરનું રાજકારણ અને અશોભનીય ભાષા વિપક્ષના નેતા જેવા મહત્વપૂર્ણ હોદ્દાને શોભતી નથી અને આવા નિવેદનો દુઃખદ તથા નિંદનીય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular