જોડિયા તાલુકાના મોરાણા ગામની સીમના ખેતરમાંથી કોહવાઇ ગયેલો યુવતિનો મૃતદેહ સાંપડયા બાદ પોલીસે હત્યાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી. જેમાં મૃતકના માથા અને શરીરમાં ઇજાના નિશાન મળી આવતાં પોલીસે પતિ ઉપર વોચ ગોઠવી છે.
બનાવ અંગેની વિગત મુજબ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીપલી ગામના વતની અને જોડિયા તાલુકાના મોરાણાની સીમમાં જેતાભાઇની વાડીમાં ખેત મજૂરી કરતાં ચંદુબાઇ રાકેશ બદ્રી દેવદા (ઉ.વ.24) નામની યુવતિનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યાની મૃતકના પતિ દ્વારા જાણ કરવામાં આવતાં પીએસઆઇ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો. પોલીસના પ્રાથમિક તારણમાં મૃતક યુવતિના માથાના ભાગે, પગમાં તથા કમરના ભાગે તિક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતાં. જેના આધારે પોલીસે હત્યાની આશંકાએ તે દિશામાં તપાસ આરંભી હતી. જો કે, મૃતકના પતિ રાકેશે કોઇ કારણસર ઇજા પહોંચતાં પત્નિ ચંદુબાઇનું મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર કર્યું હતું. પોલીસે હત્યાની આશંકાએ મૃતકના પતિની પૂછપરછ આરંભી હતી અને મૃતકના પરિવારજનોને મધ્યપ્રદેશથી બોલવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.