કોરોનાની મહામારીના કારણે અનેક વ્યવસાયો અને ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. હવે મુંબઈની પ્રખ્યાત લક્ઝરી 5 સ્ટાર હોટલ હયાત રીજન્સી અનિશ્ચિત સમય માટે બંધ થઈ ગઈ છે. હોટેલ અધિકારીઓનું કહેવું છે કે આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા તેમની પાસે નથી. ગઈકાલે હોટલ દ્રારા નોટીસ ફટકારવામાં આવી હતી જેમાં હોટલના જનરલ મેનેજર હરદીપ મારવાહે કહ્યું હતું કે તેઓને પેરેંટ કંપનીએ હોટલ ચલાવવા પૈસા મોકલ્યા નથી.
મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલ પ્રખ્યાત ફાઈવસ્ટાર હોટલ હયાત રિજન્સીએ ભંડોળની તંગીને લીધે તેમની હોટલ આગામી સૂચના ન મળે ત્યાં સુધી કામચલાઉ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. હયાત મૂળ અમેરિકન હોસ્પિટાલિટી કંપની છે જે તેની ફ્રેન્ચાઈઝી હોટેલોનું સંચાલન કરે છે. મુંબઈમાં હયાતનું સંચાલન કોન્ટ્રાક્ટ ધોરણે એશિયન હોટલ્સ (વે) લિમીટેડ વતી કરવામાં આવે છે.
ફેબ્રુઆરીમાં એશિયન હોટેલ્સ (વેસ્ટ) ના અધ્યક્ષ અને એમડી સુશીલ કુમાર ગુપ્તાએ કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું. નાણાકીય વર્ષ 2020-21ના 9 મહિનામાં એશિયન હોટેલ્સ (વેસ્ટ) ને 109 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 10 દિવસ પહેલા એશિયન હોટેલ્સ (વેસ્ટ) એ સ્ટોક એક્સચેંજને માહિતી આપી હતી કે તે યસ બેંકની લોન અને વ્યાજ ચુકવી શકી નથી. એશિયન હોટેલ્સ (વેસ્ટ) પર 263 કરોડ રૂપિયા દેવું છે.