દર વર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. આજે આ દિવસ નિમિતે જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જળપ્લાવિત વિસ્તારો જેવા કે નદી,સરોવરોના સંરક્ષણ અને જાળવણી અને લોકજાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે. ઈરાનમાં ર ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ રામસર કન્વેન્સન ઓક વેટલેન્ડનું આયોજન થયું હતું ત્યારથી દર વર્ષે આ દિવસને વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ખીજડીયા પક્ષી અભ્યારણ્યની વિશેષતા
જામનગર નજીક ખીજડીયામાં વન વિભાગ હસ્તકના પક્ષી અભ્યારણ્યની વિશેષતા એ છે કે, અહીં ખારા અને મીઠા બન્ને પાણીમાં રહેતા પક્ષીઓ જોવા મળે છે. આ પ્રકારની વિશેષતા ભાગ્યે જ કોઇ અન્ય સાઇટ પર જોવા મળે છે. આ ઉપરાંત જમીન અને વૃક્ષો પર પંખીઓના માળા નજરે પડે છે. સમુદ્ર કાંઠો નજીક હોવાને કારણે વિદેશી પંખીઓ માટે આ સ્થળ માનીતું રહ્યું છે.
વેટલેન્ડ (જળપ્લાવિત)એટલે શું?
જળપ્લાવિત વિસ્તાર એવો વિસ્તાર છે જે પાણીથી પુરેપુરો ભરાયેલો હોય અથવા તો ત્યાં પાણીની રેલમછેલ હોય કે પાણીમાં ડુબાડુબ હોય. આ વિસ્તારમાં પાણી કાયમી અથવા ઋતુગત ભરાયેલ રહે છે. પાણીથી ભરપૂર રહેતી જમીન બિનપ્રાણવાયુજીવી/પ્રાણવાયુ વાતાવરણનું સર્જન કરે છે જે ક્યારેય પાણીથી ખાલી થતી નથી.
રામસર સાઈટ્સ શું છે?
રામસર સાઇટ્સ એવા જળસ્થાનો છે, જે આંતરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. આ યાદીમાં આજે વેટલેન્ડસ દિવસ નિમિતે ખીજડીયા પક્ષી અભ્યારણ્યનો સમાવેશ થતા ભારત પાસે હવે 49 રામસર સાઈટનું નેટવર્ક છે. 1960ના દાયકામાં જે વેટલેન્ડ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે એક સંધિની રુપરેખા તૈયાર કરાઈ હતી. એટલે તેના અમલ માટે વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર ગામે નિષ્ણાતોની મીટિંગ યોજાઈ હતી. જેથી આ સંધિ રામસર તરીકે ઓળખાય છે. અને તેમાં ખીજડીયા પક્ષી અભ્યારણ્યનો આજે સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના નળ સરોવર, વઢવાના, થોર બાદ હવે ખીજડીયાનો સમાવેશ થતા ભારત પાસે હવે 10,93,636 હેક્ટર વિસ્તારને આવરી લેતી 49 રામસર સાઇટ્સનું નેટવર્ક છે, જે દક્ષિણ એશિયામાં સૌથી મોટું છે.