Thursday, September 19, 2024
Homeરાજ્યહાલારડ્રગ્સ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સને એસઓજીએ દબોચ્યા

ડ્રગ્સ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સને એસઓજીએ દબોચ્યા

સલાયાના ડ્રગ્સ, ચોરી, જીવલેણ હુમલા સહિતના દોઢ ડઝન ગુનાઓ આચરનાર બે શખ્સોને કચ્છમાંથી ઝડપી લીધા

- Advertisement -

ખંભાળિયા તાલુકાના નાના એવા સલાયા ગામે ડ્રગ્સ, ચોરી તેમજ મારામારી અને જીવલેણ હુમલા સહિતના જુદા જુદા દોઢ ડઝન જેટલા ગુનાઓમાં સંડોવાયેલા બે મુસ્લિમ શખ્સોને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે દબોચી લીધા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને ખાનગી કંપનીના સિક્યુરિટી વિભાગમાં નોકરી કરતા અક્રમ રજાક ઈશા સંઘારને પોલીસે અગાઉ આઠ કિલો માદક પદાર્થ (ગાંજો) સાથે ઝડપી લઇ, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલની પરિસ્થિતિમાં જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયાના માર્ગદર્શન આ વિભાગની જુદી જુદી ટીમ બનાવીને નાસતા ફરતા આરોપીઓ અંગે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ગત સપ્તાહમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. રાજભા જાડેજા, હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, કરણભાઈ સોંદરવા, સલાયા મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા, ભીખાભાઈ વસરા, વિપુલભાઈ ડાંગરને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે એન.ડી.પી.એસ. એક્ટના ગુનાના ફરારી આરોપી એવા રિઝવાન રજાક સંઘાર (રહે. સલાયા) ને કચ્છના હાજીપીર તરફ જાય તે પૂર્વે ખંભાળિયા-જામનગર માર્ગ પર આરાધના ધામ પાસેથી મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.

જેની વિધિવત રીતે અટકાયત કરી, તેનો કબજો સલાયા મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ફરારી આરોપી એવો સલાયાનો એજાજ રજાક સંઘાર કે જે છેલ્લા કેટલાક સમયથી કચ્છના હાજીપીર વિસ્તારના હોવા અંગેની માહિતીના આધારે એસ.ઓ.જી. પોલીસે ઉપરોક્ત શખ્સને કચ્છના હાજીપીર ખાતેથી ગત તારીખ 30 એપ્રિલના રોજ ઝડપી લઇ અને આગળની તપાસ અર્થે ઉપરોક્ત શખ્સનો કબજો સલાયાના વી.એન. સીંગરખીયાને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -

વધુમાં જાહેર થયેલી વિગત મુજબ ઉપરોક્ત આરોપીઓ સલાયા ખાતે રહેતા નગરજનોમાં ધાક બેસાડવા માટે અવારનવાર વિવિધ પ્રકારે સ્થાનિક રહીશોને ધમકીઓ આપતા હતા. જો કોઈ તેનો વિરોધ કરે તો તેઓ ઉપર હુમલો કરતા હતા. આ ઉપરાંત ઘર ખર્ચ તેમજ અન્ય મોજ મજા માટે તેઓ ચોરી તેમજ માદક પદાર્થોની હેરાફેરી તથા વેચાણ કરતા હોવાથી આ શખ્સોને ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આવા ત્રાસથી સ્થાનિક લોકો પોલીસ સમક્ષ ફરિયાદ કરવાનું પણ ટાળતા હતા. પોલીસને મળેલી ખાનગી વિગતોને ધ્યાને લઈ અને ઉપરોક્ત શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ સલાયા ઉપરાંત ખંભાળિયા, જામનગર વિગેરે પોલીસ મથકમાં માદક પદાર્થોની હેરાફેરી, જીવલેણ હુમલા, મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, સહિતની જુદી જુદી ગંભીર કલમ હેઠળ 17 જેટલા ગુનાઓ નોંધાયા છે. આવા ગુનાઓ આચરીને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા માટે એસ.ઓ.જી. તથા સલાયા મરીન પોલીસને સફળતા મળી છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પ્રશાંત સિંગરખીયા, સલાયા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. વિપુલ સિંગરખીયા, એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, ભીખાભાઈ વસરા, કરણભાઈ સોંદરવા તથા વિપુલભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular