Sunday, May 25, 2025
Homeસ્પોર્ટ્સદક્ષિણ આફ્રિકાને હરાવી સતત બીજી વખત ભારતનો ICC U19 મહિલા વર્લ્ડ કપ...

દક્ષિણ આફ્રિકાને હરાવી સતત બીજી વખત ભારતનો ICC U19 મહિલા વર્લ્ડ કપ પર કબજો

ભારતીય ટીમે ફરી રચ્યો ઇતિહાસ
2 ફેબ્રુઆરી, 2025ના રોજ રમાયેલી આઈસીસી મહિલા અન્ડર-19 ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી પરાજય આપ્યો અને સતત બીજી વખત આ પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો.

- Advertisement -

આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને તેમની પૂરી ટીમ માત્ર 82 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારતે આ લક્ષ્ય માત્ર 11.2 ઓવરમાં એક જ વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો. ગોંગાડી તૃષાએ આ જીતમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું. તૃષાએ બોલિંગમાં ત્રણ વિકેટ ઝડપી અને બેટિંગમાં 44 રન બનાવી નોટઆઉટ રહી ટીમને જીત સુધી પહોંચાડવામાં મદદ કરી.

- Advertisement -

મેચની હાઇલાઇટ્સ:

દક્ષિણ આફ્રિકાની નિષ્ફળ બેટિંગ:
ટોસ જીતીને બેટિંગ કરનાર દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. માત્ર 11 રનના સ્કોર પર જ તેમને પ્રથમ ઝટકો મળ્યો. પરુણિકા સિસોદિયાએ સિમોન લોરેન્સને શૂન્ય પર બોલ્ડ કર્યો. ત્યારબાદ મધ્યમ ગતિના બોલર શબનમ શાકીલે જેમ્મા બોથાને વિકેટકીપર પાસે કેચ આઉટ કરાવ્યા. બોથાએ 14 બોલમાં 16 રન બનાવ્યા.

આયુષી શુક્લાએ દિયારા રામલાકનને બોલ્ડ કરીને દક્ષિણ આફ્રિકાનો ત્રીજો વિકેટ ફડકાવ્યો. ગોંગાડી તૃષાએ કૈલા રેનેકે અને મિકે વાન વૂરસ્ટ જેવા મહત્વના વિકેટ ઝડપી ટીમને વધુ દબાણમાં મૂકી દીધા. દક્ષિણ આફ્રિકાના મિકે વાન વૂરસ્ટે સૌથી વધુ 23 રન બનાવ્યા. આખરે ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

- Advertisement -

ભારતીય ટીમની શાનદાર બેટિંગ:
83 રનના સરળ લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમની શરુઆત શાનદાર રહી. જી કમલિની અને ગોંગાડી તૃષાએ 4.3 ઓવરમાં 36 રનની પાર્ટનરશિપ કરી. કમલિની 8 રન બનાવીને કૈલા રેનેકેની બોલિંગ પર કેચ આઉટ થઈ. ત્યારબાદ તૃષા અને સાનિકા ચાલકેને અદ્ભુત પાર્ટનરશિપ કરી ટીમને વિજય સુધી પહોંચાડ્યું.

gongadi-trisha-all-rounder
gongadi trisha all rounder

તૃષાએ 33 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 44 નોટઆઉટ રન બનાવ્યા જ્યારે સાનિકા 26 રન બનાવી નોટઆઉટ રહી.

ભારતીય બોલર્સનો જલવો:

ભારત માટે ગોંગાડી તૃષાએ 3 વિકેટ ઝડપી. પરુણિકા સિસોદિયા, આયુષી શુક્લા અને વૈષ્ણવી શર્માએ બે-બે વિકેટ લીધા. ભારતીય સ્પિનર્સે કુલ 9 વિકેટ ઝડપી, જે જીતમાં મહત્વપૂર્ણ સાબિત થયું.

ફાઇનલ માટે બંને ટીમોની પ્લેયિંગ 11:

ભારત:
જી કમલિની (વિકેટકીપર), ગોંગાડી તૃષા, સાનિકા ચાલકે, નિકી પ્રસાદ (કપ્તાન), ઈશ્વરી અવસરે, મિથિલા વિનોદ, આયુષી શુક્લા, વીજે જોશિથા, શબનમ શકીલ, પરુણિકા સિસોદિયા, વૈષ્ણવી શર્મા.

દક્ષિણ આફ્રિકા:
જેમ્મા બોથા, સિમોન લોરેન્સ, દિયારા રામલાકન, ફે કાઉલિંગ, કૈલા રેનેકે (કપ્તાન), કારાબો મેસો (વિકેટકીપર), મિકે વાન વૂરસ્ટ, સેશની નાયડૂ, એશલે વાન વિક, મોનાલિસા લેગોડી, નાથાબિસેંગ નિની.

ભારતીય ટીમની વિજયયાત્રા:

  1. વેસ્ટઇન્ડીઝને 9 વિકેટથી હરાવ્યું
  2. મલેશિયાને 10 વિકેટથી હરાવ્યું
  3. શ્રીલંકાને 60 રનથી હરાવ્યું
  4. બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવ્યું
  5. સ્કોટલૅન્ડને 150 રનથી હરાવ્યું
  6. સેમીફાઈનલમાં ઇંગ્લેન્ડ પર 9 વિકેટથી વિજય મેળવ્યો
  7. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું

ભારતીય મહિલા અન્ડર-19 ટીમે આ જીત સાથે પોતાની પ્રતિભાનું શ્રેષ્ઠ દાખલુ પેશ કર્યું છે અને દેશનું નામ ગૌરવપૂર્વક ઉંચું રાખ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular