Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતકયા શહેરમાં કોરોનાના દર્દીઓ પૈકી 32% યુવાદર્દીઓ ?

કયા શહેરમાં કોરોનાના દર્દીઓ પૈકી 32% યુવાદર્દીઓ ?

કૂલ દર્દીઓ પૈકી પાંચમા ભાગના દર્દીઓને પેટમાં દુખાવો તથા ડાયેરીયાની ફરિયાદ

- Advertisement -

અમદાવાદની સિવિલની 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં હાલ 240 દર્દી દાખલ છે. આમાંથી લગભગ 74 દર્દી 30થી 50ની વયજૂથના છે. અર્થાત્ 30થી 50 વયજૂથના દર્દીની ટકાવારી 32 ટકા થાય છે. એ જ રીતે 60થી વધુ વર્ષના કુલ 114 દર્દી દાખલ છે જેમાં 75 મહિલાનો સમાવેશ થાય છે. આમ સિનિયર સિટીઝન જૂથમાં પણ 31 ટકા મહિલા કોરોનાનો ભોગ બની છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ જયપ્રકાશ મોદીના જણાવ્યા મુજબ મોટાભાગના દર્દીમાં સામાન્યથી મધ્યમ લક્ષણ છે. પુરુષ અને મહિલા દર્દીની વાત કરીએ તો 60થી વધુ વયના 45 ટકા દર્દી છે. જ્યારે 30 ટકા દર્દી 51થી 60ની વયજૂથના છે. 41થી 50ની વયજૂથના 15 ટકા જ્યારે 30થી 40ની વયજૂથના 5થી 10 ટકા દર્દી છે.

- Advertisement -

રાજ્યની કોવિડ કોર કમિટીના સભ્ય અને પલ્મોનોલોજિસ્ટ ડો. તુષાર પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે દાખલ થતાં કોરોનાના દર 10માંથી 2 દર્દીમાં ડાયેરિયા અને પેટમાં દુખાવાના નવા લક્ષણ જોવા મળી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓમાં પણ કોરોનાના મધ્યમ લક્ષણ હોવાથી વાઈરસ ગત વર્ષ જેટલો ઘાતક નહીં હોવાનું ડોક્ટરોનું માનવું છે.

દરમિયાન શહેરમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 551 કેસ નોંધાયા હતા. જ્યારે 1 દર્દીનું મૃત્યુ થયું હતું. સતત ત્રીજા દિવસે કેસ 500થી વધુ નોંધાયા છે. બીજી તરફ વસ્ત્રાપુર તળાવ પાસે ઊભા કરવામાં આવેલા ડોમમાં સવારે 10થી 12.30ના અઢી કલાકના ગાળામાં 113 લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 13ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

- Advertisement -

કોરોનાના કેસ વધતા સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં કોવિડ રિવ્યૂ મીટીંગ યોજાઇ હતી. જેમાં સિવિલ, કિડની અને કેન્સર સહિતની હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદી જણાવે છે કે, કેસ વધે તો દર્દીને યોગ્ય સારવાર આપી શકાય તે માટે આરોગ્ય કમિશનર શિવહરેની અધ્યક્ષતામાં એક રિવ્યુ મિટિંગ યોજાઈ હતી. આગોતરા આયોજનનાં ભાગરૂપે જરૂરી દવાઓ અને સાધનોની સાથે વધુ સ્ટાફ ફાળવવાની ચર્ચા થઇ હતી. હવેથી 1200 બેડ કોવિડ હોસ્પિટલ ગત વર્ષની જેમ વિવિધ રોગના વધુ 67 નિષ્ણાત ડોકટરો ઉપરાંત જરૂરી સ્ટાફની નિમણૂક કરવાનું નક્કી કરાયું છે.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ જે.બી.પારડીવાલા અને રજિસ્ટ્રાર જનરલને પત્ર લખ્યો છે. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા પછી કોરોનાના કેસમાં અતિશય ઉછાળો આવ્યો છે. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરાની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થવાને કારણે સંક્રમણ વધતાં આપણે એક વર્ષ પહેલાંની સ્થિતિએ પહોંચી ગયા છીએ. આ સંજોગોમાં જો ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજાશે તો કેસમાં અસાધારણ વધારો થશે. જ્યાં સુધી કોરોના નિયંત્રણમાં ન આવે ત્યા સુધી ચૂંટણી યોજવા પર રોક લગાવવી જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular