જામનગરની જી. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતાં તબીબની ઓફિસમાં જઇ ગેરવર્તન કરી ધાકધમકી આપી મોબાઇલમાં વિડિયો ઉતારવા લાગતાં શખ્સ સામે તબીબ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરની જી. જી. હોસ્પિટલમાં અધિકારી વર્ગ નંબર 1 નિવાસી તબીબ પ્રમોદકુમાર આર. સક્સેના ગત્ તા. 16ના રોજ સવારના સમયે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી તેની ઓફિસમાં હતા ત્યારે તે દરમ્યાન સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સુરેશ વાલજી ચૌહાણ નામના શખ્સે અચાનક તબીબની ઓફિસમાં જઇ ગેરવર્તન કરવા લાગ્યો હતો. ધાકધમકી આપી તેના ફોનમાં વિડિયો ઉતારવા લાગ્યો હતો. તેમજ તબીબને, “તમે સ્ત્રી સાથે ગેરવર્તન કરો છો.” તેમ કહી ખોટા આક્ષેપો કર્યા હતા. સુરેશની માતા સારવારમાં જી. જી. હોસ્પિટલમાં દાખલ હોય જેની સારવાર માટે 104 નંબર હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. જેનો જવાબ તબીબ પાસે માંગતા તબીબએ જણાવ્યું કે, “અમે તમારી ફરિયાદ લગત અહેવાલ વડી કચેરીને મોકલી દીધો છે.” તથા અગાઉ સુરેશની બહેન જી. જી. હોસ્પિટલમાં કામ કરતી હતી અને હવે કામ પર લેતાં નથી. તેવુ કહી ધાકધમકી આપી તબીબના કામમાં વિક્ષેપ પાડી તબીબની દર્દીલક્ષી સેવાઓની અગત્યની મીટીંગ ખોરવાઇ ગઇ હતી અને તબીબના સરકારી કામમાં અડચણ કરી ધાકધમકી આપ્યાના બનાવમાં તબીબ દ્વારા ફરિયાદ નોંધાવાતા પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.
View this post on Instagram


