જામનગર શહેરમાં પંચેશ્વરટાવર વિસ્તારમાં રહેતાં યુવાનને મોબાઇલમાં મેસેજ કરી મળવા બોલાવી બળજબરીપૂર્વક પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી પતાવી દેવાની ધમકી આપી રોકડ અને ચાંદીના દાગીના લૂંટી લેનાર યુવતી સહિતના બે શખ્સોની સિટી ‘સી’ ડિવિઝન પોલીસે ધરપકડ કરી પૂછપરછ દરમ્યાન યુવતી દ્વારા અડધો ડઝન યુવાનોને ફસાવી રૂપિયા પડાવ્યાની કેફિયત આપવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં પંચેશ્ર્વર ટાવર પાસે કચેરી ફળીમાં રહેતાં હેમાંશુભાઇ જેન્તીભાઇ વજાણી નામના યુવાનને પૂજા નામની મહિલા તથા અન્ય ચાર શખ્સોએ એકસંપ કરી મોબાઇલ દ્વારા યુવાનને મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. જ્યાં પૂજા નામની યુવતી તથા અન્ય ચાર શખ્સોએ બાઇક પર ગયેલા હેમાંશુને બળજબરીપૂર્વક બેલેનો કારમાં અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઇ છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી ગળામાં પહેરેલો ચાંદીનો ચેઇન અને હાથમાં પહેરેલી ચાંદીની લકી તથા રૂા. 1400ની રોકડ સહિતની માલમત્તા પડાવી યુવાનને મારી નાખવાના ભયમાં મૂકયાના બનાવની નોંધાયેલી ફરિયાદના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસે તપાસ આરંભી હતી. દરમ્યાન પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એન. બી. ડાભી, પીએસઆઇ વી. એ. પરમાર તથા સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી બાતમી અને લોકેશન એનાલિસિસ દ્વારા એલસીબી ટેકનીકલ સેલની મદદ વડે તપાસ આરંભી હતી.
View this post on Instagram
દરમ્યાન પોલીસે યશ ઉર્ફે આર્યન નરેશ રાઠોડ (ઉ.વ.19) (રહે. ઢીચડા રોડ, તિરૂપતિ સોસાયટી, જામનગર) અને પૂજા અરવિંદ પરમાર (ઉ.વ.25, (રહે. ઢીચડા રોડ, તિરૂપતિ સોસાયટી, જામનગર) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. ચાર પૈકીના બે સગીરોને દમણથી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા યુવતી સહિતના બન્નેની પૂછપરછમાં યુવતી અને તેના મિત્ર સાદિક, વિજય દ્વારા રાજકોટના નિમેષ પટેલ નામના યુવક પાસેથી તેનો વિડિયો ઉતારી 10 લાખ રૂપિયા પડાવી રાહુલ પરમારના ખાતામાંથી સાદિકના ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ છ મહિના પહેલાં યશ, પૂજા, મીત, કિશન અને વિવેક ઉર્ફે જોગી સહિતનાઓએ જામનગરમાં ઢોસાની રેંકડીવાળા શ્યામભાઇને ફસાવી ત્રણ તોલાનો સોનાનો ચેઇન પડાવી લીધો હતો. ઉપરાંત એક વર્ષ પહેલાં રાજકોટના યુવાનને લાલવાડી, નૂરી ચોકડી પાસે ફલેટમાં બોલાવી વિડિયો ઉતારી રૂા. 40 હજાર પડાવી લીધા હતા. દોઢ વર્ષ પહેલાં મોરબીના યુવાનને પૂજા દ્વારા ઇન્સ્ટાગ્રામ મારફતે ધ્રોલ બોલાવી રૂા. 50 હજાર પડાવ્યા હતા.
તેમજ અઢી વર્ષ પહેલાં સાગર નામના વ્યક્તિને કાનાએ વિશ્વાસમાં લઇ પૂજા સાથે ખોટા લગ્ન કરાવી બે લાખની છેતરરપિંડી આચરી હતી. ઉપરાંત બે વર્ષ પહેલાં પોરબંદરના દિવ્યાંગને લગ્નની લાલચ આપી 50 થી 60 હજાર પડાવ્યા હતા. આમ, પોલીસ દ્વારા યુવતી સહિતના બે શખ્સોની પૂછપરછ દરમ્યાન અડધો ડઝન ગુનાની કેફિયત આપી હતી. પોલીસે બન્ને પાસેથી રૂા. 15 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, રૂા. 1400ની રોકડ કબ્જે કરી અન્ય શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


