કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતા લખમણ ઉર્ફે લખુ ઠેબાભાઈ નવઘણભાઈ ખિસ્તરીયાએ પોતાની માલિકીના કબજાના ખેતરમાં આવેલા રહેણાંક મકાનના ફળિયામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું જિલ્લા એસ.ઓ.જી. પોલીસના ધ્યાને આવ્યું હતું. તા. 22 ઓગસ્ટ 2021 ના એસ.ઓ.જી.ની ટીમે કરેલી દરોડાની કાર્યવાહીમાં આ સ્થળેથી 290 ગ્રામ સૂકા ગાંજા સહિત કુલ 12.361 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. કુલ રૂ. 1,26,510 ના મુદ્દામાલને કબજે લઈને ઉપરોક્ત આરોપી સામે કલ્યાણપુર પોલીસમાં એનડીપીએસ એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સામે વિવિધ પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ કેસ ખંભાળિયાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા અદાલત સમક્ષ કરવામાં આવેલી દલીલો તેમજ પંચનામા, સાક્ષીઓની જુબાની, રેવન્યુ રેકોર્ડ, એફએસએલના વૈજ્ઞાનિક પુરાવાઓ, વિગેરે બાબતને ધ્યાનમાં લઇને સ્પેશિયલ એનડીપીએસ જજ એસ.જી. મનસુરીએ આરોપીને તકસીરવાન ઠેરવી, જુદા જુદા ગુનાઓમાં કુલ પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ. 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


