ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ ચઢતા પહોરે ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી લાલ લાઈટવાળી સ્કોર્પિયો મોટરકારમાંથી નકલી સી.આઈ.ડી. અધિકારી તેમજ અન્ય એક શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા. બાવળા તાલુકાના ગાંગડ ગામના આ બે શખ્સોને પોલીસે દારૂ, બિયર, કાર અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 11.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, અલગ અલગ ગુના નોંધવામાં આવ્યા છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચનાથી અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ગતરાત્રે કોમ્બિંગ નાઈટ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તેમજ ટ્રાફિક શાખાના જવાનોએ ખંભાળિયા જામનગર હાઈવે પર અત્રેથી આશરે 6 કિલોમીટર દૂર ધરમપુર ટોલનાકા પાસે પહોંચતા આ માર્ગ પરથી પસાર થતી જી.જે. 38 બી.એફ. 5050 નંબરની કાળા કલરની સ્કોર્પિયો કારને જોતા આ કારમાં આગળના ભાગે બ્લુ અને લાલ કલરની એલઈડી ફ્લેસીંગ લાઈટ તેમજ સાયરન જોવા મળ્યું હતું.
આ કારને અટકાવી અને કાર સવારની પૂછપરછ કરવામાં આવતા તેમાં રહેલા એક શખ્સએ પોતાની ઓળખ સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ – ગુજરાત સ્ટેટનો અધિકારી એસ.પી. વાઘેલા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે પોલીસે આઈકાર્ડ માંગતા તેણે એસ.પી. વાઘેલાના નામનું આઈકાર્ડ આપ્યું હતું. આ આઈકાર્ડમાં રહેલો ફોટો આ શખ્સના ચહેરા સાથે મેચ ન થતા પોલીસે તેની પાસે આધાર કાર્ડ માંગ્યું હતું. આ આધારકાર્ડ જોતા તેમાં રહેલું નામ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર હોવાનું જોવા મળ્યું હતું.
આથી પોલીસે ડુપ્લીકેટ CID ઇન્ટેલિજન્સ ગુજરાત વિભાગના આઈ.ઓ.ની ઓળખ આપનાર દિગ્વિજયસિંહ પરમાર (ઉ.વ. 38, રહે. ગાંગડ, તા. બાવળા, જિ. અમદાવાદ) ની અટકાયત કરી લીધી હતી.
આ સાથે રહેલા અન્ય એક શખ્સ એવા ગાંગડ ગામના કૃપાલસિંહ મહિપતસિંહ સિસોદિયા (ઉ.વ. 32) ની પણ અટકાયત કરવામાં આવી હતી. સ્કોર્પિયો મોટરકારની તપાસણી દરમિયાન આ કારમાંથી બિયરના ત્રણ ટીન તેમજ કોલ્ડ્રીંક્સની બે બોટલમાં 1350 મી.લી. વિદેશી દારૂ હોવાનું ખુલવા પામ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે રૂપિયા 10 લાખની કિંમતની સ્કોર્પિયો મોટરકાર તેમજ નકલી અધિકારી પાસે રહેલો રૂપિયા એક લાખની કિંમતનો 16 પ્રો-મેક્સ આઈફોન તેમજ રૂ. 15,000 ની કિંમતનો વીવો કંપનીનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આમ, આ સમગ્ર પ્રકરણમાં ટ્રાફિક પોલીસની સતર્કતાથી ડુપ્લીકેટ સી.આઈ.ડી. ઇન્ટેલિજન્સ અધિકારી દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર તેમજ અન્ય એક કૃપાલસિંહ મહિપતસિંહ સિસોદિયાની અટકાયત કરી, આ બંને શખ્સો સામે ખંભાળિયા પોલીસ મથકમાં જુદા જુદા ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. સી.એલ. દેસાઈ, પ્રોબેશનલ પી.આઈ. કે.એસ. ગોહિલ, ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ. સોલંકી સાથે શક્તિસિંહ જાડેજા, દેવરાભાઈ પંડત, વીરભદ્રસિંહ જાડેજા અને ભરતભાઈ જમોડ દ્વારા કરવામાં આવી હતી.