જામનગર જિલ્લામાં બનાવટી ઘી અને દૂધની ફેકટરીઓ ઉપર પોલીસના દરોડા સતત વધી રહ્યાં છે. થોડાં સમયથી જામનગરમાં બનાવટી દૂધ, બનાવટી ઘી બનાવતી ફેકટરીઓ ઝડપાઇ રહી છે. રવાણી ખીજડિયા ગામની સીમમાં બનાવટી ઘી બનાવવાની ફેકટરીએ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેઇડ દરમ્યાન 932 લીટર બનાવટી ઘી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવટી ઘીની ફેકટરી ઉપર દરોડાની વિગત મુજબ જામનગર જિલ્લાના રવાણી ખીજડિયા ગામની સીમમાં આવેલી ભરત દેસા ખીમસૂર્યા અને મનસુખ દેશા ખીમસૂર્યા નામના ભાઇઓની વાડીમાં બનાવટી ઘી બનાવવાનું કારસ્તાન ચાલતું હોવાની હે.કો. જયદીપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, ચેતનભાઇ ઘાઘરેટિયા, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી પીયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ.એ.ધાસુરા, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા,જયદીપસિંહ જાડેજા, હરદેવસિંહ ઝાલા, પો.કો. કમલેશભાઇ ખીમાણિયા, દિગ્વીજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
View this post on Instagram
રેઇડ દરમ્યાન પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસતા વાડીમાં મશીનથી બનાવટી ઘી બનાવવાનું કામ ચાલુ હતું. તે સ્થળે ફૂડ વિભાગના ડો. આર. જે. કોટડિયા તથા સ્ટાફે સ્થળ પર રહેલો ઘીનો જથ્થો તપાસતા આ ઘી બનાવટી હોવાનું જણાતા પોલીસે સ્થળ પરથી રૂપિયા 5,70,800ની કિંમતનો 932 લીટર બનાવટી ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ KT Bandhan cows pure ghee ના સ્ટીકર લગાડેલા 200 એમએલના 2160 નંગ ડબ્બા કબ્જે કરી 500 લીટર બનાવટી ઘીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બનાવટઠી ઘીની ફેકટરી સંદર્ભે પંચ ‘એ’ પોલીસે મનસુખ દેશા ખીમસૂર્યાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


