ડીઆરડીઓએ કોરોનાની જલ્દી તપાસ થઇ શકે તે માટે એન્ટિબોડી ટેસ્ટીંગ કીટ તૈયાર કરી છે. આ કીટનું નામ DIPCOVAN છે. આ કીટમાં શરીરમાં સાર્સ-કોવી-2 વાયરસ અને ફાઇટીંગ પ્રોટીન ન્યુક્લિયો કેપ્સિડ (S&N) બંનેની હાજરીની જાણકારી મેળવી શકે છે. તે 97%ની હાઇ સેન્સિટિવિટી અને 99% ની સ્પેસિફિસિટી સાથે માત્ર 75 રૂપિયાના ભાવે 75 મિનિટમાં રિપોર્ટ પણ આપશે.
દિલ્હી સ્થિત વેનગાર્ડ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી DRDO દ્રારા આ કીટ બનાવવામાં આવી છે. આ કીટ સંપૂર્ણ સ્વદેશી છે અને અહીંના જ વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. દિલ્હીની હોસ્પિટલોમાં આશરે 1000 દર્દીઓ પર પરીક્ષણ કર્યા પછી, તેને માર્કેટમાં મૂકવાની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા એક વર્ષ દરમિયાન આ કિટના ત્રણ બેચમાં હોસ્પિટલોમાં અલગ-અલગ પરીક્ષણ કરવામાં આવ્યા છે.
ICMRએ એપ્રિલમાં ડિપ્કોવન કિટને મંજૂરી આપી હતી અને તે જ મહિનામાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ તેના નિર્માણ અને બજારમાં વેચવાની મંજૂરી આપી હતી. વેનગાર્ડ લિમિટેડ વ્યાવસાયિક રૂપે જૂનના પહેલા અઠવાડિયામાં આ કિટને બજારમાં ઉતારશે. લોન્ચિંગ સમયે લગભગ 100 કિટ ઉપલબ્ધ થશે. તેનાથી લગભગ 10 હજાર લોકોનું ટેસ્ટિંગ થશે અને ત્યાર બાદ દર મહિને 500 કિટનું ઉત્પાદન કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે બુધવારે, ICMRએ કોવિસેલ્ફ નામની એક કીટને પણ મંજૂરી આપી દીધી છે, જે રેપીડ એન્ટીજન કીટ છે. આ કીટની મદદથી લોકો ઘરે બેસીને પોતાનો કોરોના ટેસ્ટ કરી શકશે.