Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ચાર દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા દિનેશભાઇ વોરાનું નિધન

જામનગરમાં ચાર દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા દિનેશભાઇ વોરાનું નિધન

કોરોના સામેનો જંગ હાર્યા : ફૂલછાબ દૈનિકના ડેપ્યુટી ચીફ રિપોર્ટર તેમજ જન્મભૂમિ દૈનિકના જિલ્લા પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા હતા

- Advertisement -

જામનગરના વરિષ્ઠ પત્રકાર અને છેલ્લા 40 વર્ષથી પત્રકારિત્વ ક્ષેત્રે જોડાઇ જામનગરના લોકોના પ્રશ્ર્નોને અખબારના માધ્યમથી વાચા આપતા દિનેશભાઇ વોરા આજે કોરોના સામે જંગ હારી ગયા હતા. તેમના નિધનથી સમગ્ર મિડીયા જગતમાં શોકની લાગણી છવાઇ હતી. જામનગરમાં પ્રથમ લહેરમાં ઇકબાલ અઘામ અને બીજી લહેરમાં દિનેશભાઈ વોરા કોરોનાથી નિધન થતા પત્રકાર ક્ષેત્રે મોટી ખોટ પડી છે.

છેલ્લા 40 વર્ષથી પત્રકારિત્વ ક્ષેત્રે જોડાયેલાં અને ફૂલછાબ દૈનિક રાજકોટના ડેપ્યુટી ચીફ રિપોર્ટર તેમજ જન્મભૂમિ દૈનિક મુંબઇના જિલ્લા પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતાં દિનેશભાઇ જયંતિલાલ વોરા તાજેતરમાં કોરોના સંક્રમિત થતાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોરોનાની સારવાર દરમ્યાન આજરોજ તેઓ કોરોના સામે જંગ હારી જતાં વોરા પરિવાર તથા મીડિયા જગતમાં ઘેરા આઘાતમાં ગરકાવ થયા હતા. તેઓ હાલમાં જામનગર પ્રેસ પ્રતિનિધિમંડળના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહયા હતા. આ ઉપરાંત પ્રમુખ તથા મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચૂકયા હતા. તેમજ જામનગર જર્નાલિસ્ટ કો-ઓપેરટીવ હાઉસિંગ સોસાયટી લિ.ના ઉપપ્રમુખ ફુલછાબ જન્મભૂમિ પ્રેરિત સૈનિક કલ્યાણ ટ્રસ્ટ જામનગરના ટ્રસ્ટી, લતીપુર જૈન મિત્રમંડળ જામનગરના કારોબારી સભ્ય (પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ), જૈન સોશિયલ ગ્રુપ (મેઇન) જામનગરના કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહયા હતા.

આ ઉપરાંત તેઓ ડીઆરયુસીસીના મેમ્બર, ટેલિફોન સલાહકાર સમિતિના મેમ્બર, સૌરાષ્ટ્ર પત્રકાર સંઘના કારોબારી સભ્ય, ભૂમિ દૈનિક જામનગરના સહતંત્રી, નાટય સંગમ સંસ્થાના સભ્ય, ધૂમકેતુ કલા સંસ્થાના સ્થાપક સભ્ય અને ઉપપ્રમુખ, ગો.ડા. શાહ વણિક વિદ્યોતેજક સંસ્થામાં ટ્રસ્ટી, જામનગર જેસીઝના સક્રિય સભ્ય, યુથ હોસ્ટેલ એસોસિએશનમાં કારોબારી સભ્ય તરીકે પણ જવાબદારી સંભાળી ચૂકયા હતા તેમજ જૈન સોશિયલ ગ્રુપ (મેઇન)ના રજતજયંતિ સ્મૃતિઅંક, ઇન્દુમધુ મેડિકલ સેન્ટર જામનગર શુભારંભ સ્મૃતિઅંક, યંગ એસોસિએશન (રકતદાન પ્રવૃત્તિ કરતી સંસ્થા), યંગ એસોસિએશનના સ્મૃતિ અંક ગો.ડા.શાહ વણિક વિદ્યોતેજક સંસ્થામાં હિરક મહોત્સવનું સ્મૃતિઅંકનું સંપાદનના સંપાદક તરીકે પણ જવાબદારી સંભાળી ચૂકયા હતા. આ ઉપરાંત ભૂકંપ, ભારત-પાકિસ્તાન યુધ્ધ દરમ્યાન સેવાકિય કામગીરી કરવાની સાથે ડાયાબિટીસ તથા બ્લડપ્રેશર અંગે કેમ્પ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઓપન જામનગર રંગોળી સ્પર્ધા પણ વિશેષ આયોજન કરી ચૂકયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular