સોશિયલ મીડિયા પર મુકવામાં આવેલા એક વિડિયોની કોમેન્ટમાં અનુસૂચિત જાતિ સમાજ અંગે કથિત રીતે જાતિસૂચક અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાના મામલે જામનગરના સમાજસેવકે જુનાગઢના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી ચેતનકુમાર વિજયભાઈ ભાંભી નામના સામાજિક કાર્યકર તા. 28 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 10 વાગ્યે તેઓ ફેસબુક જોઈ રહ્યા હતા ત્યારે તેમના ફેસબુક મિત્ર દ્વારા મૂકવામાં આવેલ એક વિડિયો તેમની નજરે પડ્યો હતો. ફરિયાદ મુજબ, આ વિડિયો પર સંજય નિમાવત નામના ફેસબુક ખાતા પરથી અનુસૂચિત જાતિ સમાજ અંગે કથિત રીતે જાતિસૂચક તથા અપમાનજનક શબ્દોવાળી કોમેન્ટ કરવામાં આવી હતી. ફરિયાદીએ આ કોમેન્ટથી અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ પોલીસ સમક્ષ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કથિત કોમેન્ટના સ્ક્રીનશોટ પણ પુરાવા તરીકે રજૂ કર્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફેસબુક ખાતાની તપાસ કરતાં કોમેન્ટ કરનાર વ્યક્તિનું નામ સંજય નિમાવત, રહે. જુનાગઢ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 195(1), અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3(1)(આર) તથા 3(2)(5)(એ) અને માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ-2000ની કલમ 67 મુજબ ગુનો નોંધ્યો છે.
ગુનો નોંધાયા બાદ સમગ્ર કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મીત વીરેશ રૂદલાલને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કથિત કોમેન્ટ, રજૂ થયેલા સ્ક્રીનશોટ તથા ફેસબુક ખાતા સંબંધિત વિગતોની તપાસ હાથ ધરવામાં આવી છે.


