લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલ જિલ્લા પંચાયત કર્મચારીઓની સોસાયટીની સામે હાઇવે ઉપર ડીવાઇડરમાં કટ આપવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓપ. હાઉસીંગ સોસાયટી લીમીટેડ જામનગર દ્વારા માંગણી કરવામાં આવી છે.
લાલપુર બાયપાસથી ઠેબા ચોકડી વચ્ચે જામનગર જિલ્લા પંચાયત કર્મચારીઓની સોસાયટી આવેલી છે આ સોસાયટી અને આજુબાજુમાં આવેલી અસંખ્ય સોસાયટીઓને પોતાની સોસાયટીમાં જવા માટે લાલપુર બાયપાસથી બે કિલોમીટર ફરી યુ-ટર્ન મારી પરત આવવુ પડે છે. જેને લઇ રહેવાસીઓને ભારે મુશ્કેલી પડે છે. અહિં આવેલ માર્ગ પર ડીવાઇડર વચ્ચે કટ આપવા તા.18/12/2010થી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં સમસ્યાનું કોઇ નિરાકરણ આવતુ નથી. આ ઉપરાંત રહેવાસીઓને બે કિલોમીટર ફરવુ પડતુ હોય લાલપુર ચોકડીથી જિલ્લા પંચાયત કર્મચારીઓની સોસાયટી તથા આજુબાજુની અન્ય સોસાયટીના રહેવાસીઓ રોંગ સાઇડનો ઉપયોગ કરે છે જેના કારણે ભવિષ્યમાં ગંભીર અકસ્માતોનો ખતરો રહ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કિર્તી પાનથી ધોરીવાવ સુધી 18 મીટરનો સીસી રોડ બનાવે છે પરંતુ આ કટ ન હોવાને કારણે બીનઉપયોગી થયો છે. આથી અસંખ્ય પરિવારોની સલામતી ઘ્યાનમાં રાખી અને લોકોની મુશ્કેલીને નિવારવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો.ઓપ. હાઉસીંગ સોસાયટીના ચેરમેન દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.


