Wednesday, July 22, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં કોર્પોરેટરનો ડિજિટલ નવતર પ્રયોગ - VIDEO

જામનગરમાં કોર્પોરેટરનો ડિજિટલ નવતર પ્રયોગ – VIDEO

હવે મોબાઇલ એપથી 24 કલાક નોંધાવો ફરિયાદ, 106થી વધુ રજૂઆતોનું નિરાકરણ પ્રક્રિયામાં

ડિજિટલ યુગમાં સરકારી સેવાઓને વધુ સરળ અને લોકો સુધી સુલભ બનાવવા માટે વિવિધ સ્તરે ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નિલેશ હાડા દ્વારા પણ નાગરિકોની રોજિંદી સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે એક અનોખી ડિજિટલ પહેલ કરવામાં આવી છે. તેમણે ખાસ ડિજિટલ એપ્લિકેશન શરૂ કરી છે, જેના માધ્યમથી વિસ્તારના લોકો હવે કોઈપણ સમયે પોતાના પ્રશ્નો સીધા કોર્પોરેટર સુધી પહોંચાડી શકે છે.

- Advertisement -

આ ડિજિટલ એપ્લિકેશનની ખાસિયત એ છે કે નાગરિકોને હવે ફરિયાદ કરવા માટે કોર્પોરેટરને વારંવાર ફોન કરવાની કે તેમના જવાબની રાહ જોવાની જરૂર રહેતી નથી. એપની લિંક અથવા QR કોડ સ્કેન કરીને લોકો પોતાના મોબાઇલમાંથી જ ગટર, સફાઈ, પાણી, સ્ટ્રીટ લાઇટ સહિતની વિવિધ સમસ્યાઓની વિગતો નોંધાવી શકે છે.

- Advertisement -

આજના સમયમાં મોટાભાગના લોકો નોકરી, વ્યવસાય અથવા અન્ય કામકાજમાં વ્યસ્ત રહેતા હોય છે. ઘણી વખત વહેલી સવારે અથવા મોડી રાત્રે કોઈ સમસ્યા સર્જાય ત્યારે કોર્પોરેટરને ફોન કરવો યોગ્ય રહેશે કે નહીં તેવી મૂંઝવણ રહેતી હોય છે. ઘણીવાર ફોન વ્યસ્ત હોવાના કારણે પણ ફરિયાદ નોંધાવી શકાતી નથી.

આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ ડિજિટલ એપ્લિકેશન દ્વારા લોકો પોતાની અનુકૂળતા મુજબ દિવસના કોઈપણ સમયે ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ નોંધાયા બાદ તેને સંબંધિત મહાનગરપાલિકાના વિભાગ સુધી પહોંચાડવામાં આવે છે અને તેના ઉકેલ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

- Advertisement -

એપ્લિકેશન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 106થી વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તેમાં મુખ્યત્વે ગટર, પીવાના પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી રોજિંદી નાગરિક સમસ્યાઓનો સમાવેશ થાય છે.

કોર્પોરેટર નિલેશ હાડાના જણાવ્યા મુજબ એપ પર મળતી દરેક રજૂઆતને સંબંધિત વિભાગ સુધી પહોંચાડીને શક્ય તેટલી ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

લોકો પોતાની સમસ્યા એપ્લિકેશન મારફત કોર્પોરેટરને જણાવે છે અને કોર્પોરેટર દ્વારા લગત વિભાગને કહીને તેને ઉકેલ માટે પ્રયાસો થાય છે, આ ઝડપી કામગીરીથી સ્થાનિક રહીશે સંતોષ વ્યક્ત કરી સાથે જ ડિજિટલ એપના કારણે ફરિયાદ નોંધાવવી સરળ બની છે અને પ્રશ્નોના ઝડપી ઉકેલની આશા પણ વધે છે.

વોર્ડ નંબર 10માં શરૂ કરાયેલું આ ડિજિટલ પ્લેટફોર્મ સ્થાનિક સ્વરાજ્યમાં ટેક્નોલોજીના ઉપયોગનું એક સારું ઉદાહરણ બની રહ્યું છે. મોબાઇલ એપ, લિંક અને QR કોડના ઉપયોગથી નાગરિકો અને જનપ્રતિનિધિ વચ્ચે સીધો સંપર્ક વધુ સરળ બન્યો છે.

આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ફરિયાદ નોંધાવવાનો નથી, પરંતુ 24 કલાક સરળ, પારદર્શક અને ઝડપી ફરિયાદ વ્યવસ્થાપન ઉભું કરવાનો છે, જેથી નાગરિકોને સમયસર સેવા મળી રહે અને મહાનગરપાલિકાના સંબંધિત વિભાગો સુધી રજૂઆતો ઝડપથી પહોંચે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular