દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. વી.એ. રાણા તથા પી.એસ.આઈ. ડી. એ. વાળાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામના હનુમાનધાર વિસ્તારમાં રહેતા રામ ચનાભાઈ ઘેલાભાઈ ગામી (ઉ.વ.27) નામના શખ્સને તેના રહેણાંક મકાનમાંથી ચરસના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ઉપરોક્ત શખ્સ પાસેથી રૂ. 2.59 લાખની કિંમતના 1.36 કિલોગ્રામ જેટલા ચરસનું એક પેકેટ કબજે કર્યું હતું.
પોલીસની પૂછપરછમાં આરોપી રામભાઈ ચનાભાઈ ગામીના મિત્ર એવા પોરબંદર તાલુકાના મિયાણી ગામના રહીશ કરશન લખુ વાઘેલાને દરિયાકાંઠા વિસ્તારમાંથી એક ચરસનું પેકેટ મળ્યું હતું. જો આ પેકેટ તેને જોઈતું હોય તો તે સસ્તા ભાવે આપવા તૈયાર હોય, મિત્ર કરસનની વાત માનીને ચારેક માસ પૂર્વે રામભાઈ ગામીએ તેની પાસેથી ચરસનું આ પેકેટ ખરીદ કર્યું હતું અને તેના બદલામાં તેણે રૂ. 10,000 રોકડા આપ્યા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી. ચરસનું આ પેકેટ લઈને તેણે પોતાના ઘરે સેટીના ખાનામાં છુપાવ્યું હતું અને તે આ ચરસ વેંચવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ તેને કોઈ ગ્રાહક મળતો ન હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે એસ.ઓ.જી. પોલીસે રામભાઈ ગામીની અટકાયત કરી, આરોપી કરસન લખુભાઈ વાઘેલા તેમજ અન્ય સંડોવાયેલા મનાતા શખ્સો સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કલ્યાણપુર પોલીસમાં ગુનો દર્જ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એ.એસ.આઈ. ભીખાભાઈ ગાગિયા અને સુમાતભાઈ ભાટિયાની બાતમીના આધારે કરવામાં આવી હતી.


