Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરઆપણી જમીન નહીં બચાવીએ તો ભાવિ પેઢી માટે કશું જ નહીં બચે...

આપણી જમીન નહીં બચાવીએ તો ભાવિ પેઢી માટે કશું જ નહીં બચે : સદગુરુ

SAVE SOIL અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવજીનું 27 દેશોના ભ્રમણ બાદ જામનગર ખાતે આગમન: પ્રતાપ વિલાસ પેલેસ ખાતે સદગુરુનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું: વિશાળ બાઇક રેલી તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ કરાયું આયોજન

- Advertisement -

ઇશા ફાઉન્ડેશનના સ્થાપક અને SAVE SOIL અભિયાનના પ્રણેતા સદગુરુ જગ્ગી વાસુદેવ 27 દેશ અને 30 હજાર કિ.મી.નો પ્રવાસ પૂર્ણ કરી ભારતની ધરતી પર સૌપ્રથમ જામનગર પધાર્યા હતાં. જામનગરના જામસાહેબ દ્વારા પાઠવેલ આમંત્રણને માન આપી સદગુરુ જામનગર પધાર્યા હતાં. ત્યારે પ્રતાપ વિલાસ પેલેસ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સદગુરુ બપોરે વહાણ મારફતે નવા બેડી બંદર પહોંચ્યા બાદ આઇએનએસ વાલસુરાથી જામસાહેબને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. ત્યારબાદ સાંજે ડીકેવી સર્કલથી વિરલબાગ થઇ પેલેસ રોડથી ભવ્ય સાંસ્કૃત્તિક કાર્યક્રમ નિહાળી પ્રતાપ વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતાં. જ્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું અને જમીનની ફળદ્રુપતા અને તેને બચાવવા અંગે માહિતી આપી હતી.

- Advertisement -

SAVE SOIL અભિયાનના પ્રણેતા સદગુરૂ જગ્ગી વાસુદેવજી બાઈક રેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે દ્વિતીય વિશ્વ યુધ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જે ધરા પર આવી હું મને ભાગ્યશાળી માનું છું.

- Advertisement -

તેમણે આ પ્રસંગે SAVE SOIL એટલે કે ભૂમિ બચાવો અભિયાન વિશે જણાવતા કહ્યું કે તેઓનો સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના 4 અબજ લોકો સુધી પહોંચી આ અભિયાનમાં જોડવાનો છે. હવે સમય છે કે આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કામ કરીએ. આજે દુનિયામાં 27,000 જેટલી પ્રજાતિઓ પર જોખમ ઉભું થયું છે અને તેઓ ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે. અને આપણે તેમના માટે કશું કરતા નથી. દુનિયામાં જૈવ વૈવિધ્ય અને વાતાવરણમાં ગંભીર નુકસાન થયું છે. જો અત્યારે આપણે જાગૃત નહી બનીએ કે સંગઠિત નહી બનીએ તો આપણી ભવિષ્યની પેઢી માટે કશું જ બચશે નહી. દુનિયામાં આજે 40% ફળોનું ઉત્પાદન ઘટયું છે સાથે સાથે જમીન પોતાની ફળદ્રુપતા દિવસે ને દિવસે ગુમાવી રહી છે. આવનારા સમયમાં પૃથ્વી પર વસ્તી હજુ પણ વધતી જ રહેવાની છે.ત્યારે આજથી જ જાગૃત બની આપણે સૌ જમીનની જાળવણી નહીં કરીએ તો આવનારી પેઢીએ એના ગંભીર પરિણામો ભોગવવાના રહેશે.

એકતાબા સોઢા સાથે વિચાર ગોષ્ઠિ દરમિયાન સદગુરુએ જણાવ્યું કે જમીનને બચાવવી ખૂબ જ અગત્યની છે. જમીન હશે તો જ આપણે બચીશું. સતત રાસાયણિક ખાતરના ઉપયોગથી આપણી કિંમતી જમીન બગડી રહી છે. આજે 7 થી વધુ દેશોએ સેવ સોઈલ એટલે કે જમીન બચાવો અભિયાન માટે સહી કરી છે. દુનિયામાં વૃક્ષો, છોડ અને પ્રાણીઓથી આપણું જીવન ટકી શકશે. લોકો અત્યારે વધુ ને વધુ ખાતર નાંખીને જમીનમાંથી ઉપજ મેળવે છે. જો ઓછું ખાતર નાખીશું તો પણ ઉપજ નહિ મળે. આ કોઈ રોકેટ સાયન્સ નથી. પરંતુ બહુ સામાન્ય સમજણની વાત છે. આજે ગંગાના મેદાનોમાં 92% વૃક્ષો સાફ કરી નાખ્યા છે. પ્રાણીઓ કતલખાનામાં જાય છે. પ્રાણીઓ વિના આપણું જીવન જ શક્ય નથી. તેથી આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે ગાય સહિતના પ્રાણીઓને પણ બચાવવી એટલા જ જરૂરી છે.

- Advertisement -

આ પ્રસંગે પ્રતાપવિલાસ પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યો હતો અને સદગુરુના આગમનને વધાવવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં આણદાબાવા સેવા સંસ્થાના પ.પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજ, પ્રણામી સંપ્રદાયના પ.પૂ. કૃષ્ણમણિ મહારાજ, બેડીગેઇટ સ્વામીનારાયણ સંપ્રદાયના ચર્તુભુજદાસજી મહારાજ સહિત જામનગરની વિવિધ ધાર્મિક સંસ્થાઓમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા વિક્રમભાઈ માડમ, રાજકોટ સ્ટેટના યુવરાજ માંધાતાસિંહજી જાડેજા, વાંકાનેર સ્ટેટના કેશરીદેવસિંહજી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા, ડિમ્પલબેન રાવલ, નિલેશભાઇ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હિતેન ભટ્ટ, નિલેશભાઇ ઉદાણી, બિલ્ડર મેરામણભાઇ પરમાર, સુપ્રસિધ્ધ ગાયિકા કિંજલ દવે તથા જામનગરના કોર્પોરેટરો, શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા સામાજિક આગેવાનો તથા શહેરના પ્રબુદ્ધ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Video Credit: Sadguru YouTube

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular