Wednesday, July 29, 2026
Homeવિડિઓગુરૂપૂર્ણિમાના પાવન પર્વે દ્વારકાધીશના ચરણોમાં આસ્થાનું મહાસાગર - VIDEO

ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે દ્વારકાધીશના ચરણોમાં આસ્થાનું મહાસાગર – VIDEO

સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું પર્વ આધ્યાત્મિક શ્રદ્ધા, ગુરુભક્તિ અને પરમાત્મા પ્રત્યેની અડગ આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. આવા પાવન અવસરે ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને ચારધામ પૈકીના એક એવા પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ભક્તિનું અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાયું છે. ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જીવનને ધન્ય બનાવવા માટે દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા હતા. વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસર, ગોમતીઘાટ વિસ્તાર અને મંદિર તરફ જતા મુખ્ય માર્ગો ભક્તોની જનમેદનીથી છલકાઈ ઉઠ્યા હતા.

- Advertisement -

મંગળા આરતીના દર્શન માટે મધ્યરાત્રિ બાદથી જ ભક્તો મંદિર બહાર લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. સૂર્યોદય પહેલા જ મંદિરના પ્રવેશદ્વાર પાસે લાંબી કતારો જોવા મળી હતી. “જય દ્વારકાધીશ’, “રાધે કૃષ્ણ” અને “કાળિયા ઠાકોરની જય’ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર દ્વારકાધામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. ભક્તોના ચહેરા પર ભગવાનના દર્શનની આતુરતા અને અવિસ્મરણીય આધ્યાત્મિક આનંદ સ્પષ્ટ જોવા મળતો હતો.

ગુરુપૂર્ણિમા અને પૂર્ણિમા તિથિના શુભ સંયોગને કારણે આ વર્ષે ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાંથી તેમજ વિદેશથી આવેલા કૃષ્ણભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પરિવાર સાથે આવેલા અનેક ભક્તોએ આ પવિત્ર ક્ષણોને જીવનનો અમૂલ્ય પ્રસંગ ગણાવ્યો હતો.

- Advertisement -

મંદિરમાં દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. બેરિકેટિંગ દ્વારા અલગ-અલગ દર્શન માર્ગ તૈયાર કરવામાં આવ્યા હતા જેથી ભક્તોને સરળતાથી અને વ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે. મંદિર પરિસરમાં સતત ભક્તોનો પ્રવાહ જોવા મળતો હોવા છતાં સમગ્ર વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત કરવામાં આવી હતી.

- Advertisement -

મંદિરમાં ઉમટેલી વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો, હોમગાર્ડ, ટ્રાફિક પોલીસ તેમજ સ્વયંસેવકોને વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા. સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી હતી, જ્યારે ભીડ નિયંત્રણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક વ્યવસ્થાને પણ સુવ્યવસ્થિત રાખવા માટે શહેરના મુખ્ય માર્ગો પર જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ગોમતીઘાટ પર પણ વહેલી સવારથી પવિત્ર સ્નાન માટે ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. ગોમતીમાં સ્નાન કર્યા બાદ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધર્મલાભ મેળવ્યો હતો. સમગ્ર યાત્રાધામમાં ધાર્મિક માહોલ, ભજન-કીર્તન અને હરિનામના ગુંજારવ વચ્ચે ભક્તો ભક્તિરસમાં લીન બન્યા હતા.

નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વયના શ્રદ્ધાળુઓ ભગવાનના એક ઝલક દર્શન માટે કલાકો સુધી કતારમાં ઉભા રહી આનંદપૂર્વક પોતાની વારીની રાહ જોતા જોવા મળ્યા હતા. ભારે ભીડ અને ઉકળાટ છતાં ભક્તોની શ્રદ્ધા, ધીરજ અને ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો.

ગુરુપૂર્ણિમાના આ પવિત્ર દિવસે દ્વારકાધીશના ચરણોમાં નતમસ્તક થવા માટે ઉમટેલી લાખોની આસ્થા એ ફરી એકવાર સાબિત કરી દીધું કે દ્વારકા માત્ર એક તીર્થધામ નથી, પરંતુ કરોડો કૃષ્ણભક્તોની અતૂટ શ્રદ્ધા અને આધ્યાત્મિક વિશ્વાસનું જીવંત કેન્દ્ર છે. ભક્તિ, ભાવના અને આધ્યાત્મિક ઊર્જાથી છલકાતા આ પાવન અવસરે સમગ્ર દ્વારકાધામ હરિભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને દ્વારકાધીશના દિવ્ય દર્શનથી લાખો ભક્તોએ પોતાના જીવનને ધન્ય ગણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular